Get The App

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું મોત

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું મોત 1 - image


Kutch News : સમગ્ર દેશમાં શનિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કચ્છમાં પણ જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. ભચાઉના ચોબારી ગામમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન થાંભલો પડતાં એક સગીરનું કરુણ મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભચાઉના ચોબારી ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મટકી ફોડતી વખતે જે થાંભલા પર દોરડું બાંધવામાં આવ્યું હતું તે થાંભલો અચાનક ભીડ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઈશ્વર જેઠાણી નામના સગીરનું ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મોત થયું હતું.

આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ જન્માષ્ટમીના આનંદમય વાતાવરણને શોકમાં ફેરવી દીધું છે.

Tags :