સુરતના પુણા વિસ્તારમાં 'સ્ટોપ વોટ ચોરી'ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી
Unique celebration of Janmashtami in Surat: સુરત શહેરમાં ધાર્મિક ઉત્સવ ઉજવણીમાં રાજકીય કદ મોટું કરવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વખતથી સુરતમાં ઉત્સવની ઉજવણીમાં રાજકીય વિરોધનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સુરતના પુણા વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી સ્ટોપ વોટ ચોરીની થીમ સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત સતયુગ અને કળિયુગમાં સત્યની લડાઈમાં ભગવાન સત્યની સાથે રહે છે તેમ કરીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી વિવિધ તહેવારોમાં રાજકીય પક્ષોનો દબદબો જોવા મળી રહ્યો છે. શહેરમાં તહેવારની ઉજવણી વખતે રાજકીય આગેવાનો અથવા ટેકેદારો દબદબાભેર ઉત્સવની ઉજવણી કરે છે. પ્રભુ ભક્તિ સાથે કેટલાક લોકો પોતાના ગોડ ફાધર માટે રાજકીય ભક્તિ પણ કરી લેતા હોય છે. અને તહેવારો દ્વારા રાજકીય શક્તિ પ્રદર્શન પણ હવે થઈ રહ્યું છે. જોકે, આ પ્રકારની શક્તિ પ્રદર્શન સાથે કેટલાક સમયથી તહેવારની ઉજવણીમાં વિરોધ પ્રદર્શનનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.
આવા વિરોધ પ્રદર્શન આ વખતે જન્માષ્ટમીના તહેવાર માં પણ જોવા મળ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં શાંતિનિકેતન સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં જન્માષ્ટમીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિ સુરતના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયાના ગ્રૂપ દ્વારા 'સ્ટોપ વોટ ચોરી'ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે, મહાભારતમાં સત્યની લડાઈમાં કૌરવોની મહાસેના સામે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પાંડવોનો સાથ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે આજે આ કળિયુગમાં પણ આ વોટ ચોરોની મહાસેના સામે એક યોદ્ધા તરીકે અડીખમ સંવિધાન બચાવવા સત્યની લડાઈ લડી રહેલા રાહુલ ગાંધીને સૌનો સાથ મળે. આ સત્યની લડાઈમાં તેમનો વિજય થાય તેવી પ્રાર્થના સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ ઉજવણી વખતે 'રાજા રણછોડ માખણ ચોર, દિલ્હીમાં કોણ છે રાજા, વોટ ચોર છે,' 'ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા, ચોરી ચોરી વોટ લઈ ગયો રે, વો તો છોરો દિલ્લી કો' જેવા સૂત્રો બોલાવાયા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો.