Get The App

ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી બાદ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલનું તંત્ર એલર્ટ મોડમાં, વેન્ટિલેટર-ઓક્સિજનની સુવિધા સાથે 700 બેડ તૈયાર

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી બાદ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલનું તંત્ર એલર્ટ મોડમાં, વેન્ટિલેટર-ઓક્સિજનની સુવિધા સાથે 700 બેડ તૈયાર 1 - image


Jamnagar GG Hospital : વિશ્વના કેટલાક દેશોની સાથે સાથે ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે, અને ગુજરાતમાં હાલ 13 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, અને રાજકોટમાં પણ ગઈકાલે કોરોના પોઝિટિવનો કેસ નોંધાયા બાદ સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. જેની સાથે સાથે જામનગર શહેરની જી.જી.હોસ્પિટલમાં પણ કોરોનાના સંદર્ભમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

 જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગના નોડલ ઓફિસર ડો.એસ.એન.ચેટરજી, કે જેઓએ ગત કોરોનાની સિઝનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી, અને કોવીડના અનેક દર્દીઓને સાજા કર્યા હતા. તેઓના જણાવ્યા અનુસાર જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોવિડના નવા વેરીએન્ટના સંદર્ભમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં 700 બેડ તૈયાર છે, અને જરૂરી દવાઓ પૂરતા પ્રમાણમાં છે. ઉપરાંત વેન્ટિલેટર-ઓક્સિજન સહિતની તમામ બેડ પર સુવિધાઓ ઉપલબ્ધ છે, અને જી.જી. હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ એલર્ટ છે. અને જામનગર શહેર જિલ્લામાં કોરોનાનો કોઈપણ પ્રકારનો નવો કેસ દેખાય તો તેને પહોંચી વળવા માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે.

 ગુજરાતમાં કોરોનાના કેસ ગઈકાલે એક જ દિવસમાં બમણાં જેટલા થયા છે, અત્યાર સુધીમાં એક્ટિવ કેસ સાત હતા, જે તમામ અમદાવાદ શહેરમાં નોંધાયેલા હતા, જોકે હવે આ આંકડો વધીને 13 ઉપર પહોંચ્યો છે. એકલા અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ 11 થયા છે, જયારે અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટ શહેરમાં એક-એક નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 

કોરોનાના ઓમિકોન વેરિએન્ટના મોટા ભાગના કેસ છે, જે માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેટમાં રહીને સાજા થાય છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે હાલ કોઈ નવી સૂચનાઓ જાહેર કરી નથી. પરંતુ તેમ છતાંય જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડના સંદર્ભમાં તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

 ઉપરાંત જામનગર શહેર જિલ્લાની જનતાએ કોરોનાના નવા વેરિયન્ટથી ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ સંપૂર્ણપણે સાવચેતી રાખવા અને ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના વયસ્કોએ વધારે સતર્કતા દાખવવા ડો.ચેટરજીએ જણાવ્યું છે.

Tags :