Get The App

જામનગરની ખેડૂતપુત્રી મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી : દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવા સજ્જ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરની ખેડૂતપુત્રી મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી : દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવા સજ્જ 1 - image

Jamnagar : જામનગર જિલ્લા માટે આજનો દિવસ એક ઐતિહાસિક અને ગૌરવવંતી ક્ષણ સમાન છે, કારણ કે જિલ્લાના વરણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મુરલીધર નગર ખાતે સ્થાયી થયેલા એક સામાન્ય ખેડૂત પરિવારની 22 વર્ષીય દીકરી મિરલબેન દિનેશભાઈ મોલિયાએ અદમ્ય સાહસ અને પુરુષાર્થનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિરલબેને ભારત દેશની પ્રતિષ્ઠિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)માં જોડાઈને માત્ર પોતાના મોલિયા પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર લેઉવા પટેલ સમાજ અને હાલાર પંથકનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. 

લેઉવા પટેલ સમાજની દીકરીઓ સામાન્ય રીતે અન્ય ક્ષેત્રોમાં આગળ હોય છે, પરંતુ દેશની રક્ષા કાજે ડિફેન્સમાં જોડાવાનો કદાચ આ વિરલ કિસ્સો હોવાથી સમાજમાં અનેરો આનંદ છવાયો છે. મિરલબેને ધોરણ 10 પછી એસ.એસ.સી.જી.ડી. (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા લેવાતી અત્યંત કઠિન પરીક્ષાઓ પાસ કરી છે. ભુજ ખાતે ગ્રાઉન્ડ ટેસ્ટ અને રાજકોટ ખાતે લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ, તેમણે કડક મેડિકલ અને ફિઝિકલ ટેસ્ટ પણ સફળતાપૂર્વક પાર કરી હતી.

 સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામેલી માત્ર 22 યુવતીઓમાં અને જામનગર જિલ્લાની બે યુવતીઓમાં સ્થાન મેળવીને મિરલબેને સાબિત કર્યું છે કે ખેડૂતની દીકરી ધારે તો ખેતરથી લઈને સરહદ સુધીના કોઈપણ મોરચે વિજય મેળવી શકે છે. મિરલબેનને નાનપણથી જ દેશસેવા અને ડિફેન્સ ક્ષેત્રે જોડાવાનું એક વિશેષ આકર્ષણ હતું, જે સપનું આજે તેમના માતા-પિતાના આશીર્વાદ અને તેમની મહેનતથી સાકાર થયું છે.

 આગામી 2જી ફેબ્રુઆરીના રોજ મિરલબેન મોલિયા વિધિવત રીતે બી.એસ.એફ. જોઈન કરવા જઈ રહ્યા છે, જે તેમની કારકિર્દીની આ એક નવી શરૂઆત હશે. સરકાર દ્વારા તેમની નિયુક્તિ નોર્થ બંગાળના પંજીપારા ખાતે કરવામાં આવી છે, જ્યાં તેઓ દેશની સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળશે. તેમની ફરજ માત્ર સીમાડા સાચવવાની જ નહીં, પરંતુ ત્યાં થતી પશુઓની તસ્કરી અને નશાકારક પદાર્થોની હેરફેર રોકવાની પણ રહેશે. આ પડકારજનક કામગીરીમાં તેઓ દૈનિક 6 કલાકની સઘન ફરજ બજાવશે.

 આ સિદ્ધિ મેળવતા પહેલા તેમને મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ટેકનપુર ગામ ખાતે 44 અઠવાડિયાની કઠોર તાલીમ (ટ્રેનિંગ) આપવામાં આવી હતી, જે તેમને કડી મહેનત કરીને સક્ષમ સૈનિક તરીકેનું ઘડતર સફળ બનાવ્યું હતું. મિરલબેનનું આ સાહસ આજે જામનગર અને સમગ્ર ગુજરાતની અન્ય યુવતીઓ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની ગયું છે.

ગોકુલનગરના મુરલીધર નગર વિસ્તારમાં રહેતા તેમના પિતા દિનેશભાઈ, જેઓ વ્યવસાયે ખેડૂત છે, તેમણે પોતાની દીકરીને દેશને સોંપીને એક સાચા દેશભક્ત તરીકેની ફરજ બજાવી છે. મિરલબેનનો આ સંદેશ સ્પષ્ટ છે કે આજની યુવતીઓ માત્ર ઘરની ચાર દીવાલોમાં સીમિત નથી, પરંતુ હાથમાં હથિયાર ઉઠાવીને દેશના દુશ્મનોનો સામનો કરવા પણ સક્ષમ છે.