જામનગરના યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોરમાર મારી ફેંકી દેવાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો
Jamnagar Crime : જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના 21 વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે ગત 7મી તારીખે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો, અને ત્યાં જ ફેંકી દેવાયો હતો.
જે બનાવની મોડેથી 108ની ટીમને જાણ કરાતા 108 ની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.
ઉપરોક્ત યુવાન જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 12 દિવસથી સારવાર મેળવી રહ્યો હતો અને બેશુદ્ધ અવસ્થામાં હતો, દરમિયાન આજે તેની તબિયત લથડતાં મૃત્યુ નીપજયું છે, અને આ બનાવ હત્યામાં પલટાયો છે. જેથી ભારે ચકચાર મચી ગઇ છે.
જી.જી. હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો હાજર હતા અને ભારે દેકારો બોલી ગયો હતો. એક તબક્કે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરતાં ભારે હલચલ મચી ગઈ હતી, આ બનાવ મામલે અગાઉ મૃતક યુવાન કે જે પોતાની પ્રેમિકા ક્રિષ્નાબેન કેશવાલા સાથે લિવ એન્ડ રિલેશનશીપમાં રહેતા હતા, અને આશિષ અસ્વાર કે જેને કેટલાક લોકો ઉઠાવી ગયા હતા, અને માર મારીને ફેંકી દીધો હતો.
જે બનાવ બાદ ક્રિષ્નાબેને પોતાના ફઈબાને ટેલીફોનથી વાત કરતાં તેના ફઇબાએ જણાવ્યું હતું કે તારા પિતા અને ફુવા વગેરે આશિષને ઉઠાવી ગયા છે, અને પોરબંદર લઈ ગયા છે. તારે જે કરવું હોય એ કરી લેજે તેમ કહ્યું હતું.
જેથી ક્રિષ્નાબેન પોતાના પાડોશી સાથે સીધી સીટી સી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પ્રેમી મિત્ર આશિષનું અપહરણ કરી જવા અંગે અને ઢોર માર મારવા અંગે પોતાના જ પિતા વિક્રમભાઈ તેમજ ફુવા રામદેવભાઈ અને ફઈબા નીરૂબેન વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે, અને સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.