સેબી-RBIની મંજૂરી વિના વિદેશ નાણાં મોકલવાના કૌભાંડમાં જામનગરના યુવાનની ધરપકડ

રૂપિયા દુબઇ મોકલવાના પ્રકરણમાં ઝડપાયેલા ડેનીશ ધાનકનો સાળો અજય ઉર્ફે ગોપાલ ભિંડી નાણાંકીય અને આંગડિયાના વ્યવહારો સંભાળતો હતો
સુરત/ જામનગર : સેબી-આરબીઆઈની મંજૂરી વિના ઉંચા વળતરના નામે રોકાણ કરાવી રૂપિયા દુબઇ મોકલવાના કૌભાંડમાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે જામનગરના યુવાનની ધરપકડ કરી છે.ઝડપાયેલો યુવાન અગાઉ ઝડપાયેલા ડેનીશ ધાનકનો સાળો છે અને તે ડેનીશના નાણાંકીય અને આંગડિયાના વ્યવહારો સંભાળતો હતો.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉત્રાણ પ્રગતિ આઇટી પાર્કના બી બિલ્ડીંગ અને રાજકોટના 150 ફૂટ રીંગરોડ સ્થિત શીતલ પાર્ક ચોકના ધ સ્પાયર-2 માં વર્ષ 2022 થી ધમધમતી આઇવી ટ્રેડ, સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, પ્રાવીયો સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડ નામની કંપનીમાં સાયબર ક્રાઇમે દરોડા પાડયા હતા. માસિક 7 થી 11 ટકા ઉંચા વળતરની લાલચ આપી શેરબજાર અને કરન્સી માર્કેટમાં રોકાણના નામે કરોડો રૂપિયા ઉઘરાવી દુબઇથી આચરવામાં આવતા સાયબર ફ્રોડના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.બંને ઓફિસમાંથી પોલીસને મળેલા રૂ. 40 લાખની રોકડ સહિતના ડોક્યુમેન્ટ્સ જેવા કે બેંક એકાઉન્ટની ડિટેઇલ્સ, આંગડિયા થકીના વ્યવહારોની ચિઠ્ઠીના આધારે રૂ. 335 કરોડના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા.
આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડ કંપનીના માલિક નવીનચંદ્ર ધાનકના પુત્ર ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાનક, પ્રાવીયો સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડના જયસુખ પાટોળીયા અને યશ પાટોળીયા પૈકી ડેનીશના સાળા અજય ઉર્ફે ગોપાલ રાજેશભાઇ ભિંડી ( ઉ.વ. 31, રહે.ફ્લેટ નં. B-202 કાનન એપાર્ટમેન્ટ, પટેલ કોલોની, શેરી નં.9, સાંઇરામ પાનની પછીની ગલી, જામનગર. મુળ રહે મોચી સાળ, સોની બજાર, સાકડી શેરી, ખંભાળીયા ) ની ગતરોજ ધરપકડ કરી હતી.તે ડેનીશના નાણાંકીય અને આંગડિયાના વ્યવહારો સંભાળતો હતો.








