VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું

Gopal Italia News: આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે(5 ડિસેમ્બર) જામનગરમાં બાઈક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી. આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. જોકે, પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે.
જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણેક માસમાં યોજાશે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. બે દિવસ પહેલા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બે કોર્પોરેટર અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપમાં જોડાયા હતા.
'આપ' ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જુતું ફેંકાતાં ભારે હંગામો
જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં 'આપ'ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો, અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકયુ હતું. ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરને ઘેરી લીધો હતો, અને તેને ઢિકાપાટુનો માર પણ માર્યો હતો. દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓ હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ શું આપી પ્રતિક્રિયા?
ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા સમયે સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મારી પાર્ટીની સભાના સંબોધન દરમિયાન અચાનક અનેક પોલીસ વાળા સ્ટેજની નજીક આવવા લાગ્યા, જે મને પણ અજીબ લાગ્યું. હું પણ પોલીસમાં હતો એટલે પોલીસની મોમેન્ટ મને ખબર હોય. અચાનક ટોળામાંથી એક વ્યક્તિએ મારા પર જૂતું ફેક્યું. તુરંત પોલીસ આવી અને પોલીસ તેને બચાવીને લઈ ગઈ. મારા કાર્યક્રમમાં જૂતું ફેંકવાથી જનતાનું શું ભલું થશે. ભાજપની આવી હરકતથી અમે ડરવાના નથી. જનતાનો પ્રેમ જોઈએ તો જનતાના કામ કરો. મારા પર જૂતા ના ફેંકો.'
ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંકનારને કર્યો માફ
ગોપાલ ઇટાલિયાએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'આજે જામનગરની જનસભામાં મારા પર હુમલો કરનારા વ્યક્તિ વિરૂદ્ધ FIR કરવા નથી ઈચ્છતો. હું તે વ્યક્તિને દિલથી માફ કરું છું અને તે વ્યક્તિ અને તેમના પરિવારને ઈશ્વર સુધી રાખે તેવી પ્રાર્થના કરું છું. જય કિસાન.'
ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ હવે AAP વિરૂદ્ધ એક થઈને લડી રહ્યા છે: અરવિંદ કેજરીવાલ
ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટનાને લઈ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં AAPની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે. અમે ભાજપની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવીએ છીએ, પરંતુ કોંગ્રેસ જ પીડા અનુભવી રહી છે... કેમ? જામનગરમાં અમારા લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર્તાએ હુમલો કરી દીધો. આ હુમલો સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ હવે AAP વિરૂદ્ધ એક થઈને લડી રહ્યા છે.'
પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર થયેલા હુમલાનો પોતે બદલો વાળી સંતોષ વ્યક્ત કર્યો
આખરે આ જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યો હતો. જેણે પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અગાઉ પ્રદિપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેમના પર ગોપાલ ઈટાલિયા દ્વારા જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારથી પોતાને(છત્રપાલસિંહ) વસવસો રહી ગયો હતો, અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો, અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

જૂતું ફેંકનારને હોસ્પિટલ ખસેડાયો
છત્રપાલસિંહ જાડેજાને ઈજા થતાં તેની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમાં તેણે પોતાના પર હુમલો કરવા અંગે કેટલાક અગ્રણીઓ સહિતના નામો આપ્યા છે, જે દિશામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગોપાલ ઈટાલિયાએ પોલીસ પર કર્યા આક્ષેપ
બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને હુમલાખોરને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ તેમજ ભાજપ બંને પક્ષ સાથે મળીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે, તેવા આક્ષેપો પણ કેટલાક 'આપ' ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

રાજકીય જોડાણના માહોલમાં અચાનક વિવાદ
આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસના બે નેતાઓ (જેમાં એક અપક્ષ પણ છે) AAPમાં જોડાવાના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં જ આ પ્રકારનો હુમલો થતાં, રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.
ગોપાલ ઈટાલિયા પર હુમલાની ઘટના નિંદનીય: મનોજ સોરઠીયા
ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને તેમની પાર્ટીના AAP નેતા મનોજ સોરઠીયાએ નિંદનીય ગણાવી છે. તેમણે આ હુમલાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતો, યુવાનો મહિલાઓ મુદ્દે હંમેશા અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવા માટે ભાજપે તેમના પર કર્યો હુમલો કર્યો છે.

