Gujarat

જામનગર શહેર અને મોટી ખાવડીમાં પણ ગોગો સ્મોકિંગ કોન શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ : બે સ્થળે તપાસ હાથ ધરાઈ

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
બે પાનની દુકાનમાંથી 64 સ્મોકિંગ કોન મળી આવતાં બંને દુકાનોમાંથી મુદ્દામાલ કબજે કરી લઇ આગળની કાર્યવાહી હાથ ધરાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને મોટી ખાવડીમાં પણ ગોગો સ્મોકિંગ કોન શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ : બે સ્થળે તપાસ હાથ ધરાઈ

Jamnagar Police : નશીલા પદાર્થોનું સેવન કરવાના ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકીંગ કોન, રોલીંગ પેપર વગેરેના વેચાણ તથા હેરફેર પર તૂટી પડવા માટે ગૃહવિભાગ દ્વારા આપવામાં એવેલી સૂચનાના પગલે જામનગરની એસઓજી શાખાએ પણ જામનગર શહેર અને મોટી ખાવડીમાં આવેલી પાનની બે દુકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. જ્યાંથી કુલ 64 નંગ સ્મોકિંગ કોન મળી આવતાં કબજે કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નશાકારક પદાર્થના સેવન માટે ગોગો પેપરનો કરાતો વપરાશ રોકવા અને નશાકારક પદાર્થનું થતું વેચાણ રોકવા માટે રાજ્યના ગૃહવિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા ગોગો પેપર શોધી કાઢવા અને તેવા પેપરનું વેચાણ કરતા તત્ત્વોને પકડી પાડવા ઝુંબેશ શરૂ કરાઈ છે. તે કાર્યવાહીમાં જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઇન્ચાર્જ પીઆઈના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી આરંભાઈ છે. 

જે અંતર્ગત એસઓજીની ટીમે સૌ પ્રથમ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી આરજુ પાન નામની પાનની એક દુકાનમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન દુકાનમાંથી 35 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવ્યા હોવાથી તે કબજે કરી લઈ દુકાનદાર સામે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી ગુપ્તા પાન નામની દુકાનમાં પણ ચકાસણી કરવામાં આવી હતી, જ્યાંથી 29 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવ્યા હતા. જે કબજે કરી લઇ તેના દુકાનદાર સામે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેર જિલ્લામાં એસ.ઓ.જીની ટીમ દ્વારા અન્ય સ્થળોએ પણ ચકાસણી કરવામાં આવી રહી છે.