જામનગર PGVCL ના કર્મચારીને લાંચ કેસમાં જેલ સજાનો સેશન્સ કોર્ટ દ્વારા હુકમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં લાંચ લેવાના ગુનામાં પી.જી.વી.સી.એલ.ના એક કર્મચારીને સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.
આ કેસની જાહેર થયેલી વિગત મુજબ, જામનગર રૂરલ સબ ડિવિઝન કચેરીમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડ તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રમણિકલાલ મોટાણી વિરુદ્ધ વર્ષ 2015 માં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરિયાદી અભયભાઈ ચંદુલાલ દાણીધારીયાના મકાનમાં જૂનું વીજ મીટર બદલાવી નવું મીટર મુકવામાં આવ્યા બાદ મીટર ટેસ્ટિંગ સંબંધિત પ્રક્રિયા માટે તેમને કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આરોપીએ વધુ બિલ આવવાની વાત કહી અને બિલ ઓછું કરવા માટે રૂ.13,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી સમય માંગી ત્યારબાદ એ.સી.બી. જામનગરનો સંપર્ક કર્યો હતો.
એ.સી.બી. દ્વારા 28 જાન્યુઆરી 2015ના રોજ ટ્રેપ ગોઠવી આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં ફરિયાદી પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં સરકાર તરફથી 6 સાક્ષીઓ અને 54 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલએ દલીલ કરી હતી કે આરોપીએ લાંચની માંગણી કરી અને સ્વીકારી હોવાનું સાબિત થાય છે, જે ફરિયાદી, પંચ સાક્ષીઓ અને રેકોર્ડિંગ દ્વારા સ્પષ્ટ થાય છે.
કોર્ટએ આ દલીલો માન્ય રાખી આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવી કલમ 7 હેઠળ 6 મહિના કેદ અને રૂ.5,000 દંડ તેમજ કલમ 13(1)(ધ) અને 13(2) હેઠળ 1 વર્ષની સખત કેદ અને રૂ.5,000 દંડની સજા ફટકારી છે. દંડ ન ભર્યે વધારાની સજા પણ ફટકારવામાં આવશે.









