Get The App

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત 1 - image


Jamnagar News : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં ધ્રોલના યુવાન વેપારીનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે.

યુવા ઉદ્યોગપતિનું ઘટના સ્થળે જ મોત

ઘટના અંગે વિગતે મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતો અને શાકભાજીનો વ્યવસાય કરતો 26 વર્ષીય યુવાન અરબાઝ મુસ્તાકભાઈ તાયાણી પોતાના પારિવારિક કામ અર્થે GJ 10 DE 4284 નંબરની કાર લઈને રાજકોટ ગયો હતો. રાજકોટથી પરત ફરતી વખતે સાંજે પાંચેક વાગ્યે જાયવા ગામના પાટિયા પાસે તેની કાર આગળ જઈ રહેલા GJ ૦૩ BW 1516 નંબરના ટેન્કર સાથે પાછળથી અથડાઈ હતી.

ટેન્કર રોડ પરથી ઉતરી ગયું

અકસ્માત એટલો ભીષણ હતો કે, ટેન્કર રોડની નીચે ઉતરી ગયું હતું. જ્યારે કારનો માર્ગ પર જ કડુસલો વળી ગયો હતો. આ અકસ્માતમાં કારચાલક અરબાઝને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે કાર્યવાહી આદરી

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારચાલકને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.