Gujarat

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો પરેશાન

By GS TEAM
18 Jun 20262 mins read
TukuTouch Logo
મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર પાસે જ ભરાયા પાણી ; ચોમાસા પૂર્વે કરાયેલી સફાઈ અને ડ્રેનેજ કામગીરી સામે ઉઠ્યા સવાલો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો પરેશાન

Jamnagar Monsoon : જામનગર શહેરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. આજે શહેરમાં પડેલા હળવા વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદનું પ્રમાણ ખાસ ન હોવા છતાં અનેક સ્થળોએ પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ હતી. મહાનગરપાલિકાની કચેરીમાં આવતા અરજદારો, મુલાકાતીઓ અને કર્મચારીઓને પાણીમાંથી પસાર થઈને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. જે વિભાગ શહેરમાં પાણીના નિકાલ અને સફાઈની વ્યવસ્થા માટે જવાબદાર છે, તેની કચેરીની બહાર જ આવી સ્થિતિ સર્જાતા લોકોમાં ચર્ચા જાગી હતી.

શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર અને ડ્રેનેજ લાઇનની યોગ્ય સફાઈ ન થઈ હોવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા પૂર્વે લાખો રૂપિયાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ જો પાણી ભરાઈ જાય તો કામગીરી કેટલી અસરકારક રહી તે અંગે પ્રશ્નો ઉભા થાય છે. 

નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે હજુ તો ચોમાસાની સીઝનનો આરંભ થયો છે અને ભારે વરસાદ પડવાનો બાકી છે. જો સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જેના કારણે લોકોને આવનારા દિવસોમાં પાણી ભરાવા, ટ્રાફિક સમસ્યા અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

શહેરજનો દ્વારા મહાનગરપાલિકાને બાકી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવા માંગ કરવામાં આવી રહી છે. પ્રથમ વરસાદે જ ઉભા કરેલા પ્રશ્નોના જવાબ હવે મહાનગરપાલિકા આગામી દિવસોમાં કેવી કામગીરી કરે છે તેના પર નિર્ભર રહેશે.