જામનગર તાલુકાના નારણપર ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધા બાદ ભાનમાં આવતાં પોલીસે નિવેદન નોંધ્યું
જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા 27 વર્ષના રીક્ષા ચાલક યુવાને બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી લીધી હતી. જે ભાનમાં આવી જતાં પોલીસે તેનું નિવેદન નોંધ્યા બાદ નારણપર ગામના જ બે વ્યાજ ખોરો સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નારણપર ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા મિલન પાલાભાઈ ખરા નામના સત્યાવીસ વર્ષીય યુવાને પરમદીને રાતે પોતાના ઘેર ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ બન્યો હતો. જેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે યુવાન ગઈકાલે ભાનમાં આવ્યો હતો, ત્યારબાદ પંચકોષી બી. ડિવિઝન ના એ.એસ.આઇ. ડી.જી. ઝાલા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું, જેમાં પોતે નારણપર ગામના જ બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. નારણપર ગામના કલ્પેશ ઉર્ફે લાલો કાંતિભાઈ લખુભાઈ ચાંદ્રા પાસેથી પોતાની બીમારી સબન આજથી પાંચ વર્ષ પહેલા 1 લાખ 40 હજાર 10 ટકા લેખે વ્યાજે લીધા હતા જેનું ત્રણ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ પઠાણી ઉઘરાણી કરાતી હતી.
જ્યારે આજથી બે વર્ષ પહેલા દિનેશભાઈ લખુભાઈ નંદા નામના નારણપર ગામના શખ્સ પાસેથી 50 હજાર રૂપિયા 10 ટકા લેખે લીધા હતા, જેન પણ વ્યાજ અને મૂળ રકમ ચૂકવી દીધી હતી.
એક તબક્કે પોતાનું મકાન ગીરવે રાખીને તેના પરથી લોન મેળવી બંને વ્યાજખોરોને પૈસા ચૂકવ્યા છતાં પણ હજુ ધમકી અપાતી હતી અને વધુ મુદ્દલ રકમ ની વ્યાજની માંગણી કરાતાં આખરે બંનેના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભરી લીધા નું કબુલ્યું હોવાથી પોલીસે બંને વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની અટકાયત કરી લેવા કાર્યવાહી હાથ ધરી છે.