જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા

Jamnagar Liquor Crime : જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી સંદર્ભે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડી તથા ધ્રોલ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લીશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડયો છે, અને ત્રણ આરોપીઓની અટકાયત કરી લઇ રૂપિયા સાડા તેર લાખની માલમતા કબજે કરી છે, જયારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયા છે.
ઇંગલિશ દારૂ અંગેનો સૌ પ્રથમ દરોડો એલસીબીની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે પાડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી એક કારને આંતરીને તેની તલાસી લેતા કારમાંથી 384 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો.
તેથી પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા 6,97,000 ની માલમતા કબજે કરી છે, જ્યારે કારની અંદર બેઠેલા જામનગરના અશોક પ્રતાપભાઈ પરમાર તેમજ દીપક દેવજીભાઈ શિયાળની અટકાયત કરી લીધી છે. જે બંનેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા સદ્દામ ઉર્ફે મુન્ના બોદુભાઈ સાફિયાએ મંગાવ્યો હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવી છે.
ધ્રોલ પોલીસે રૂપિયા 6.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો : એકની ધરપકડ, અન્ય ફરાર
ધ્રોલ પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને રૂપિયા 6,66,400 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. લતીપર તરફથી ધ્રોલ આવતી એક સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ધ્રોલ પોલીસે ગાંધીચોકમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી, જે તલાસી દરમિયાન કારમાંથી ઇંગ્લિશ દારૂની 324 નંગ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 6,66,000 ની માલમતા કબજે કરી હતી.
જ્યારે કારની અંદર બેઠેલા જામનગરના સુનિલ જયસુખભાઈ મકવાણાની અટકાયત કરી લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો જામનગરમાં રહેતા સદામ ઉર્ફે મુન્નો બોદુભાઈ સફિયાએ મંગાવ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

