Jamnagar News: સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાઓ પર દેશવિરોધી તેમજ આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તેમજ ગુજરાતની તમામ અલગ અલગ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બે દિવસ માટેની સાગર સુરક્ષા અંગેની કવાયત શરૂ કરવામાં આવી છે. જેનો હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં પણ આજથી(6 જાન્યુઆરી) પ્રારંભ થયો છે.

દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા થશે સઘન
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ), મરીન પોલીસ સ્ટેશનની ટીમ, કોસ્ટગાર્ડ સહિતની અન્ય તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલારના તમામ સાગર કિનારાઓ વિસ્તારમાં આજથી બે દિવસ માટેની કવાયત શરૂ કરી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
મરીન કમાન્ડોની ટીમ દ્વારા અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું છે, ઉપરાંત અન્ય પોલીસ ટીમ દ્વારા કોસ્ટલ એરિયામાં પણ સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર શહેર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ અન્ય પોલીસની મોટી ટુકડી પણ જોડાઈ છે.


