જામનગર પાલિકા દ્વારા આજે જામનગરના 486મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.આજે તા.31 જુલાઈને શ્રવણ સુદ સાતમના નગરના 486મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ દરબારગઢ વિસ્તારમાં આવેલી ખાંભીનુ પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તળાવની પાળ તથા અન્ય સ્થળોએ આવેલી માજી રાજવીની પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવ્યા હતા.
સૌ પ્રથમ ખાંભીપૂજનનો કાર્યક્રમ મેયર વિનોદ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. તેઓની સાથે ધારાસભ્ય રિવાબા જાડેજા,મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને ખાંભીનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શહેરમાં રણમલ તળાવ સહિતના વિસ્તારમાં આવેલી માજી રાજવીની જુદી જુદી પ્રતિમાઓને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા હતા. જેમાં પણ સર્વે મહાનુભાવો જોડાયા હતા અને ફુલહાર કરીને માજી રાજવીને નમન કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા કલેક્ટર તથા એસપી દ્વારા જામનગરની સ્થાપના વખતેની ખાંભીનું પૂજન કરાયું
જામનગરનો આજે 486મો સ્થાપના દિવસ છે, ત્યારે આ ઉજવણીમાં જામનગરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શહેરીજનો, ઉપરાંત વહીવટી અધિકારીઓ પણ જોડાયા હતા.
જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર, તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પણ આજે સવારે દરબારગઢ વિસ્તારમાં માજી રાજવી દ્વારા સ્થાપિત થયેલી ખાંભીનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા જામનગરના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ : મહાનુભાવોના હસ્તે ખાંભી પૂજન કરાયું
જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા પણ પ્રતિ વર્ષની મુજબ આ વર્ષે જામનગર શહેરના 486 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને દરબારગઢમાં માજી રાજવી દ્વારા સ્થાપિત ખાંભીનું શાસ્ત્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ જામનગર શહેરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, ગુજરાત રાજ્ય સરકારના માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ઉપરાંત રાજપૂત યુવા સંઘના અનેક યુવાનો માથે શાફા પહેરીને તેમજ જામનગર શહેર ભાજપના કોર્પોરેટરો, અન્ય રાજપૂત સમાજના બહેનો ખાંભી પૂજનના કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા, અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાંભીનું પૂજન કર્યું હતું. ત્યારબાદ માજી રાજવીની પ્રતિમાઓને ફુલહાર પણ કરવામાં આવ્યા હતા.