જામનગરના દરેડ GIDC વિસ્તારના બાકી વેરાની વસુલાતના મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મનપાની તિજોરી છલકાઈ
Jamnagar : જામનગરના દરેડ જીઆઇડીસી-2 અને 3ના આશરે 400 જેટલા ઉદ્યોગકારો દ્વારા વર્ષ 2018 થી મિલકત વેરો અને વોટર વર્કસના બીલની રકમ ભરવામાં આવી ન હતી. આ મામલે ઉદ્યોગકારોએ કોર્પોરેશન સમક્ષ અનેક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં આખરે 47 જેટલા ઉદ્યોગકારોએ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ લીવ એપ્લીકેશન દાખલ કરી હતી.
આ કેસની સુનાવણી બાદ હાઇકોર્ટ દ્વારા તમામ ઉદ્યોગકારોને બાકી વેરો ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટનો ચુકાદો કોર્પોરેશનની તરફેણમાં આવતાં જ ઉદ્યોગકારોએ તાત્કાલિક વેરો ભરવાનું શરૂ કરી દીધું છે. જેના પરિણામે ગતરોજ એક જ દિવસમાં રૂપિયા 4 કરોડ 28 લાખની માતબર રકમ કોર્પોરેશનની તિજોરીમાં જમા થઈ છે.
અગાઉ 1 એપ્રિલ 2018 થી બાકી રહેલા આશરે રૂપિયા 12 કરોડના વેરા પર રાજકીય ભલામણથી કોર્પોરેશનના જનરલ બોર્ડમાં રૂપિયા 7 કરોડની વ્યાજ માફી આપવામાં આવી હતી.
આમ, કુલ રૂપિયા 19 કરોડમાંથી હવે રૂપિયા 12 કરોડ ભરવાના બાકી હતા. ત્યારબાદ 47 ઉદ્યોગકારો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા ડિવિઝન બેન્ચે કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
હાઈકોર્ટના આદેશ બાદ પ્રથમ દિવસે રૂપિયા 50 લાખ, બીજા દિવસે રૂપિયા 50 લાખ અને ત્રીજા દિવસે સૌથી વધુ રૂપિયા 4 કરોડ 28 લાખ કોર્પોરેશનમાં જમા થયા છે.
આમ, ત્રણ દિવસમાં કુલ રૂપિયા 5 કરોડ 28 લાખ જેવી રકમ કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે. હજુ પણ આશરે રૂપિયા સાતેક કરોડ જેટલો વેરો વસૂલ કરવાનો બાકી છે.
હાલમાં કોર્પોરેશન દ્વારા વ્યાજ માફીની યોજના ચાલુ હોવાથી ઉદ્યોગકારો તેનો લાભ લઈ રહ્યા છે અને આગામી સમયમાં મોટાભાગની બાકી રકમ ભરાઈ જવાની શક્યતા છે. તેમ મનપાના ટેક્સ અધિકારી જીગ્નેશ નિર્મલે જણાવ્યું હતું.
જીઆઇડીસી-2 અને 3ના ઉદ્યોગકારોની રજૂઆત બાદ રાજકીય આગેવાનો દ્વારા આ મુદ્દો બોર્ડમાં લાવવામાં આવ્યો હતો, અને વ્યાજ માફી આપવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટની બેન્ચે કોર્પોરેશનનો બાકી વેરો તાત્કાલિક ભરવા આદેશ આપ્યો છે.
વર્ષ 2018થી ચાલતો આ વિવાદ હવે ટૂંક સમયમાં પૂરો થશે, અને કોર્પોરેશનની તિજોરીમાં બાકી રહેલા રૂપિયા 12 કરોડ જમા થઈ જશે. એક જ દિવસમાં રૂપિયા 4 કરોડ 28 લાખનો વેરો જમા થવો એ કોર્પોરેશન માટે સારી બાબત છે.