જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી
Jamnagar News: જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા પતિ રવિન્દ્ર જાડેજાની જેમ રમત ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે. તાજેતરમાં રિવાબા જાડેજાએ જી.ડી. શાહ હાઈસ્કૂલના યોજાયેલા રમતોત્સવમાં જુદી જુદી રમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી હતી. પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.
વિદ્યાર્થિનીઓ સાથે રિવાબા જાડેજા કબડ્ડી રમ્યા
મળતી માહિતી અનુસાર, જામનગરની જી.ડી. શાહ હાઈસ્કૂલના શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા મુખ્ય મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે દેશી રમતો રમીને પોતાનું કૌશલ દાખવ્યું હતું. રિવાબા જાડેજાએ શાળાની વિદ્યાર્થિનીઓ સાથેની રસ્સા ખેંચ હરિફાઈમાં ભાગ લીધો હતો અને દોરડું ખેંચીને પોતાના વિદ્યાર્થીકાળના જીવનને યાદ કર્યો હતો. કબડ્ડીની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનિઓ સાથે રિવાબા જાડેજા કબડ્ડી રમ્યા હતા. આ ઉપરાંત જીવનમાં બેલેન્સની કેટલી જરૂર છે, તે માટેની કોન બેલેન્સની હરીફાઈમાં તેમણે માથા પર કોન મૂકીને બેલેન્સ જાળવીને દોડ્યા હતા અને સ્પર્ધા પૂર્ણ કરી હતી.
રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને મેદાનની રમતો તરફ વળવા અપીલ કરી
શાળાના વિદ્યાર્થીઓને ધારાસભ્ય રિવાબા જાડેજા જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓને મોબાઈલ અને વીડિયો ગેમથી દૂર રહીને મેદાનની રમતો તરફ વળવું જોઈએ. રમત ગમત એ માત્ર મનોરંજન નથી, પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શિસ્ત ટીમવર્ક અને ખેલદિલી જેવા અનેક ગુણોનો વિકાસ થાય છે.'