જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નો સાંભળ્યા
Jamnagar : જામનગરના 79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના 'જનતાની સેવા માટે જનતા ના દરવાજે' શીર્ષક હેઠળના પ્રકલ્પનો આજથી જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, અને સ્થાનિક નાગરિકોની વચ્ચે ઉપસ્થિત રહી તેઓના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયાસો કર્યા છે.
ત્યારે તેઓની સાથે વોર્ડ નંબર 16 ના સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડીયા, ગીતાબા જાડેજા તથા ભારતીબેન ભંડેરી, વોર્ડ પ્રમુખ-મહામંત્રી, કાર્યકર્તાઓ વગેરે પણ જોડાયા હતા, અને સ્થાનિક નાગરિકોના પ્રશ્નને સાંભળી તેની વિશેષ નોંધ લીધી હતી.
આજે સૌ પ્રથમ વોર્ડ નંબર 16 ના નાગરિકો માટે સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી સાધના કોલોની વિસ્તારમાં આવેલા સિધ્ધનાથ મહાદેવના મંદિરે (જલારામ મંદિર પાસે) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત વિસ્તારના નાગરિકોએ હાજર રહીને પોતાના પ્રશ્નો અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરી હતી.
જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ તો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્થળ પર કરાવી દેવામાં આવ્યું હતું, જયારે અન્ય કેટલાક પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી. જેથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ સ્થાનિક કોર્પોરેટરો પણ જોડાયા હતા, અને તેઓએ તમામ મુદ્દાની નોંધ લીધી હતી.