જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લાના બેડ ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન એક મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 238 બોટલ કબ્જે કરવામાં આવી છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.1,24,570 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. જોકે મુખ્ય આરોપી સ્થળ પરથી મળી આવ્યો ન હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગારની બદી સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન એલસીબીના કર્મચારીઓ મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા અને યુવરાજસિંહ ઝાલાને મળેલી ખાનગી બાતમીના આધારે બેડ ગામે મોમાઈ માતાના મંદિર નજીક આવેલા મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન હરપાલસિંહ સુરુભા સોઢાના કબ્જાવાળા મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 238 બોટલ મળી આવી હતી.
પોલીસે કુલ રૂપિયા 1,24,570નો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે. આ અંગે પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન આરોપી હરપાલસિંહ સુરુભા સોઢા હાજર મળી આવ્યો ન હતો. હાલ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને તેને ઝડપી પાડવા માટેના પ્રયાસો ચાલુ છે.









