Jamnagar News: જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલો પુલ અતિ જર્જરિત બની ગયો છે. જો કે, સોમવારે (17મી નવેમ્બર)ના રોજ આ પુલ પરથી એક ટ્રક પસાર થતાં તેના ઉપર મૂકાયેલું લોખંડનું ગડર ઉખડી ગયું હતું, જેને કારણે ભારે દોડધામ મચી ગઈ હતી અને મોટી દુર્ઘટના થતા માંડ બચી હતી.
ભારે વાહનો પર પ્રતિબંધ છતાં ટ્રક પસાર થયો
કાલાવડ નાકા બહાર આવેલો પુલની જર્જરિત હાલતને કારણે જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા આ સ્થળે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભારે વાહનો પસાર ન થઈ શકે તે માટે પુલના ઉપરના ભાગે લોખંડના ગડર ની આડશ (ગડર બેરિયર) મૂકવામાં આવી છે.
પ્રતિબંધ છતાં સોમવારે એક ટ્રક આ પુલ પરથી પસાર થઈ રહ્યો હતો, જે ગડર સાથે અથડાયો હતો. ટક્કરને કારણે લોખંડનું ગડર ઉખડી ગયું અને જોખમી રીતે લટકી રહ્યુ હતું. જે રાહદારીઓ અને અન્ય વાહનો માટે જોખમરૂપ બન્યું હતું.
આ પણ વાંચો: જામનગરમાં સંકલ્પ ઢોસાના ભોજનમાંથી જીવાત નીકળી, ગ્રાહકોએ હોબાળો મચાવતા બે દિવસ માટે સીલ
સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતા તંત્ર દોડ્યું
જોખમી અવસ્થાની જાણ થતાં જ જામનગરના વોર્ડ નંબર 12ના વિરોધ પક્ષના કોર્પોરેટર જેનબબેન ખફી સહિતના સ્થાનિક આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહાનગરપાલિકાના તંત્રને જાણ કરી હતી. જો કે, તંત્ર સમયસર ઘટનાસ્થળે પહોંચ્યું ન હતું. આનાથી નારાજ થઈને કોર્પોરેટરે તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને વાયરલ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં આ ઘટનાનો ફોટો અને વીડિયો વાઈરલ થતાં જ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ક્રેનની મદદથી લટકેલા લોખંડના ગડર ને ફરીથી યથાસ્થાને મૂકવામાં આવ્યું હતું અને નવા નટ-બોલ્ટ ફિટ કરીને ફાઉન્ડેશન મજબૂત કરવામાં આવ્યું હતું. સદભાગ્યે આ સમય દરમિયાન કોઈ જાનહાનિ કે અન્ય દુર્ઘટના સર્જાઈ ન હોવાથી સૌએ હાશકારો અનુભવ્યો હતો.


