Get The App

જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું 1 - image

Jamnagar Crime : જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. ગૃહ કંકાસ અને ચારિત્ર્યની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ ધારદાર પથ્થર વડે હુમલો કરી દીધો હતો, અને પત્નીને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા બાદ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે પતિ સામે હત્યા અંગેનો ગુનો નોધ્યો છે.

 આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડમાં શ્રમિકોની મજૂરોની વસાહતમાં એક ઝૂંપડીમાં ગઈકાલે બપોરના 12 વાગ્યાના અરસામાં ખુની ખેલ ખેલાયો હતો. ગુલીબેન નારિયાભાઈ બામણીયા નામની 25 વર્ષની પરપ્રાંતીય શ્રમિક મહિલા ઉપર ગૃહ કંકાસના કારણે તેમજ ચારિત્ર્યની શંકાના આધારે તેણીના પતિએ ઉશ્કેરાટમાં આવી જઈ ધારદાર પથ્થરનો ઘા માથામાં ઝીંકી દીધો હતો. જેથી શ્રમિક મહિલા લોહી લુહાણ થઈને ઢળી પડી હતી, અને પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

 ઇજાગ્રસ્ત ગુલીબેનને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. 

આ બનાવને લઈને જામજોધપુરનો પોલીસ કાફલો સૌપ્રથમ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડતો થયો હતો. શ્રમિક મહિલાના અન્ય કુટુંબીજનો જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ભારે રૂદન કર્યું હતું.

 જામજોધપુર પોલીસ મથકમાં આ બનાવ અંગે ગુલીબેનના ભાઈ ખીમસિંહ મિશરુભાઈ ભુરિયાએ પોતાના બનેવી નારિયાભાઈ સમરીયાભાઈ બામણીયા સામે પોતાની પત્નીની હત્યા અંગેનો ગુન્હો નોંધાવ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. ગૃહ કંકાસના કારણે અને પત્નીના ચારિત્ર્યની શંકાના આધારે આ હત્યા નિપજાવાઈ હોવાનું અને મૃતક મહિલાને ત્રણ સંતાનો હોવાનું જાણવા મળ્યું છે.