જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Court Case : જામનગરની યુવતીને લગ્નજીવન દરમિયાન માનસિક અને શારીરિક ત્રાસ આપવાના કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નિવાસી પતિને અદાલતે બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે રૂ.10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ભરવામાં આવે તો તે ફરિયાદી પત્નીને વળતરરૂપે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. દંડ નહીં ભરાય તો આરોપીને વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવી પડશે.
જામનગરની પ્રિયાબેનના લગ્ન તા. 15 ડિસેમ્બર, 2015ના રોજ ધ્રાંગધ્રા નિવાસી પરિમલભાઈ ઠાકર સાથે થયા હતા. લગ્ન બાદ પતિ તેમજ સાસુ-સસરા દ્વારા ઘરકામ જેવી સામાન્ય બાબતોમાં ઝઘડા કરી મહેણાં-ટોણાં મારવા, ગાળો આપવા અને મારકૂટ કરવામાં આવતી હોવાનું પ્રિયાબેને મહિલા પોલીસ મથકે તા. 8 ફેબ્રુઆરી, 2021ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
આ કેસ બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલ્યો હતો. સરકારી વકીલએ રજૂ કરેલા પુરાવા અને દલીલોને આધારે અદાલતે આરોપી પતિને ભારતીય દંડ સંહિતાની કલમ 498(ક) અને 504 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.
અદાલતમાં ફરિયાદી યુવતીના પિતાને મોકલાયેલા અપમાનજનક અને અશોભનિય મેસેજોના સ્ક્રીનશોટ તેમજ સોશિયલ મીડિયા પર મૂકાયેલા અપમાનજનક સ્ટેટસના સ્ક્રીનશોટ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓને ધ્યાનમાં રાખી અદાલતે તા.17 જૂન, 2026ના રોજ આરોપી પતિને બે વર્ષની સાદી કેદ અને રૂ.10,000 દંડની સજા ફટકારી હતી.








