જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજે હવામાનમાં પલટો આવ્યા બાદ સાર્વત્રિક અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો
Jamnagar Weather Update : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને સાર્વત્રિક રીતે અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં ગઈકાલે સાંજે પોણો ઇંચ પાણી પડી ગયું હતું, જયારે જામજોધપુરમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જામનગર શહેરમાં ગઈકાલે સાંજે મોકડ્રીલની કાર્યવાહી ચાલી રહી હતી, દરમિયાન અચાનકજ હવામાનમાં પલટો આવ્યો હતો, અને તોફાની પવન ફુકાવાનો શરૂ થયા બાદ વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતા, અને થોડીવાર માટે ધોધમાર વરસાદ પડી ગયો હતો. 15 મિનિટ સુધી પડેલા વરસાદના કુલ 17 મિમી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે ત્યારબાદ પણ આકાશમાં ગાજવીજ ચાલુ રહી હતી. જોકે મોડેથી વાદળો વિખેરાયા હતા. અને આજે પણ આકાશમાં વાદળો આંટાફેરા જોવા મળી રહ્યા છે. જોકે સૂર્ય દેવતા બહાર આવી ગયા છે.
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગઈકાલે સાંજે ધોધમાર મેઘવૃષ્ટિ થઈ હતી. સાંજે 6.00 વાગ્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો, અને બે કલાકના સમયગાળા દરમિયાન 48 મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગઈકાલે પડેલા વરસાદના કારણે જામજોધપુર તાલુકાના બાલવા ગામની પાદરમાં એક મોટું વૃક્ષ ભારે પવનના કારણે ધરાસાઈ થઈ ગયું હતું. સદભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી.
આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડમાં 7 મી.મી., ધ્રોલમાં 4 મી.મી., જોડિયા અને લાલપુરમાં 4 મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે સવારે 8.00 વાગ્યાથી સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ સંપૂર્ણ પણે વિરામ રાખ્યો છે, અને સૂર્યદેવતાનો આકરો મિજાજ ફરી જોવા મળી રહ્યો છે.