જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI IMAGE |
Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં લાંબી માંદગીથી કંટાળીને એક વૃદ્ધ દંપતીએ સાથે મળીને જીવનનો અંત આણ્યો છે. આ કરુણ બનાવથી નાના એવા વાંકિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માંદગીનો અસહ્ય બોજ અને કરુણ અંત
મૃતક દંપતીની ઓળખ 70 વર્ષીય દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી અને તેમના 68 વર્ષીય પત્ની મનુબેન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, આ દંપતી છેલ્લા ઘણા સમયથી ગંભીર શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાતું હતું. સતત દવાઓ અને સારવાર છતાં સ્વાસ્થ્યમાં સુધારો ન થતા, બીમારીથી કંટાળીને તેમણે ગત 2 માર્ચે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડીઓ ખાઇ લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : આજે ચંદ્રગ્રહણ: સૂતકકાળ શરૂ, 3 રાશિના જાતકોએ ખાસ સાચવવું, જાણો શું કરવું-શું નહીં
અગાઉ પણ કર્યો હતો પ્રયાસ
આ ઘટના પાછળની કરુણતા એ છે કે આ દંપતીએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દામજીભાઈએ ચાલુ રિક્ષામાંથી કૂદકો મારીને જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમના પત્નીએ પણ અગાઉ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે લાંબી સારવાર બાદ બંનેનો બચાવ થયો હતો, પરંતુ આ વખતે બીમારી સામેની જંગમાં તેઓ હારી ગયા. પરિવારની સ્થિતિ પણ અત્યંત સંવેદનશીલ છે. દંપતીના પુત્ર મગનભાઈ અને પુત્રવધૂ બંને મૂકબધિર છે, જે કદાચ વૃદ્ધ માતા-પિતા માટે માનસિક ચિંતાનું મોટું કારણ રહ્યું હોય તેમ મનાય છે.
પોલીસ કાર્યવાહી
મૃતક દંપતીના પૌત્ર મયંકભાઈ ભીમાણીની જાણકારીના આધારે ધ્રોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. એક હસતા-રમતા પરિવારમાં બીમારીના કારણે સર્જાયેલી આ ગમગીનીએ પંથકમાં ચર્ચાઓ જગાવી છે.









