રકઝક બાદ દિવ્યાંગને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધો, જામનગરમાં બ્રિજ નીચેથી મૃતદેહ મળવા મામલે મોટો ખુલાસો
Gujarat Crime: જામનગરના ગુલાબ નગર રેલવે ઓવરબ્રિજ નીચેથી બુધવારે (14 મે) એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ બાદ તપાસ હાથ ધરતા હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પોરબંદરથી વડોદરા જતી વખતે દિવ્યાંગના ડબ્બામાં ઘુસેલા બે શખસોએ રકઝક કર્યા બાદ તેમણે મૃતક દિવ્યાંગને ઊંચકીને નીચે ફેંકી દેતા તેને હેમરેજ થતા મોત નિપજ્યું હતું. જોકે, આ વિશે મૃતકની સાથે મુસાફરી કરી રહેલા અન્ય દિવ્યાંગ યુવાનની ફરિયાદના આધારે બે શખસો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે.
શું હતી ઘટના?
જામનગરના રેલવે ઓવરબ્રિજ નજીકથી બુધવારે માનવ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો અને તે વડોદરાના એક દિવ્યાંગ હોવાનું સામે આવ્યું હતું. ગઈકાલે રાત્રે પોરબંદરથી આવેલી ટ્રેનમાં દિવ્યાંગના ડબ્બામાં મુસાફરી કરી રહેલા વડોદરાના 35 વર્ષીય હિતેશભાઈ મિસ્ત્રી કે જેઓ જામનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ક્યાંક લાપતા થઈ ગયા હતાં. ત્યારબાદ જામનગર રેલવે પોલીસ વિભાગના પોલીસ ઇન્સપેક્ટર પી.બી વેગડા અને તેમની ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ સાબરમતીના શુધ્ધિકરણનો પહેલા દિવસે ફિયાસ્કો: સફાઈના નામે આજે વધુ એક તરકટ કરાશે
આ દરમિયાન વહેલી સવારે છ વાગ્યે જામનગરના ગુલાબ નગર ઓવરબ્રિજ નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે તેનું નિરીક્ષણ કરતાં તે મૃતદેહ હિતેશભાઈ મિસ્ત્રીનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેનું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જઈ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેમને માથામાં ઈજા થઈ હોવાના કારણે મૃત્યુ નીપજ્યાનું તારણ આવ્યું હતું. જેથી તેઓને ટ્રેનમાંથી ફેંકી દઈ આ બનાવ હત્યામાં પલટાયો હોવાનું પોલીસે તારણ કાઢ્યું હતું.
ફરિયાદીએ જણાવી સમગ્ર વિગત
ત્યારબાદ રેલવેની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવતાં જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો 35 વર્ષીય હાજી અયુબ કાતીયા તેમજ એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો 35 વર્ષીય સદામ કાસમભાઈ કાચલીયાની અટકાયત કરવામાં આવી. આ બંને શખસ વિકલાંગના ડબ્બામાં ચઢ્યા હતાં. આ બંને દ્વારા મૃતક અને ફરિયાદી બંનેને ડબ્બામાંથી ઉતરી જવાનું કહેતા રકઝક થઈ હતી.
ત્યારબાદ મામલો હિંસક થતાં ઝપાઝપી શરૂ કરવામાં આવી હતી, જેથી ફરિયાદી પાઉલભાઈ જામનગરના રેલવે સ્ટેશન પર ઉતરીને પોલીસનો સંપર્ક કરવા માટે ગયા હતા. જ્યારે હિતેશભાઈ તેમની સાથે ઝગડો કરી રહ્યા હતા. આ દરમિયાન એકાએક ટ્રેન ચાલુ થઈ જતાં પાઉલભાઈ અન્ય ડબ્બામાં ચઢી ગયા હતા અને હાપા રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા બાદ વિકલાંગના ડબ્બામાં જઈને નિરીક્ષણ કરતાં ઉપરોક્ત બંને શખસો અને હિતેશભાઈ ગાયબ થઈ ગયા હતા.
ત્યારબાદ તેમણે હાપા રેલવે સ્ટેશન પર ઉતરીને ફરીથી પોલીસનો સંપર્ક કર્યો હતો અને હિતેશભાઈ ચાલુ ટ્રેનમાંથી ગુમ થઈ ગયા હોવાની જાણ કરી હતી. ફરિયાદના આધારે જામનગર રેલવે પોલીસ ટુકડીએ હિતેશભાઈની શોધખોળ કર્યા બાદ વહેલી સવારે 6 વાગ્યા બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને સમગ્ર મામલામાં આ બનાવ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
રેલવે પોલીસે તાત્કાલિક અસરથી ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ બંને આરોપીઓ હાજી અયુબ અને સદામ કાસમને શોધી લીધા હતા. બંનેની પૂછપરછ કરતાં બંનેએ હિતેશભાઈ સાથે ઝઘડો કર્યા પછી તેને નીચે ફેંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.