Get The App

જામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની જેલ સજાનો અદાલતનો હુકમ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની જેલ સજાનો અદાલતનો હુકમ 1 - image


Jamnagar Court : જામનગરમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે તેનો પૂર્વ પાડોશી એવો યુવક સોશિયલ મીડિયા મારફત સંપર્કમાં આવ્યા પછી આરોપીના ઘરમાં સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી તેણીને અલગ અલગ સ્થળોએ ભગાડી લઈ ગયા પછી ત્યાં પણ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. 

જામનગરમાં રહેતી 14 વર્ષની એક સગીરા આરોપી ઝાકીર કાસમભાઈ સંઘાર (ઉ.વ.23,)(રહે.અન્નપૂર્ણા મંદિર પાસે ગાંધીનગર જામનગર) સાથે સોશિયલ મીડિયામાં મારફત સંપર્કમાં આવી હતી. ઈન્સ્ટાગ્રામમાં પ્રિન્સી ઉમરાણીયા નામના એકાઉન્ટ જેમાં 2222 ફોલોવર હતા તેની રિક્વેસ્ટ આવી હતી. જેમાં સગીરા અને યુવક વાતચીત કરતા હતા. અગાઉ આરોપી સગીરાના પડોશમાં રહેતો હોવાથી આરોપીની બહેન અને આ સગીરા બંને બહેનપણીઓ હતી. આથી સગીરા આરોપીની બેનને તેના ઘરે મળવા ગઈ ત્યારે આરોપી ઘરે એકલો હતો જેનો ગેરલાભ ઉઠાવીને આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યાર પછી તારીખ 23/8/2021 ના આરોપી સગીરાને અડધી રાત્રે ભગાડી લઇ ગયો હતો. જામનગરથી રાજકોટ ત્યાંથી મહેસાણા અને ત્યાંથી ઉના વગેરે સ્થળોએ ફેરવી હતી, જ્યાં પણ આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજી તરફ સગીરાના પરિવાર દ્વારા પોતાની પુત્રીને ભગાડી લઈ જવા અંગે ઝાકીર કાસમભાઈ સંઘાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આથી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. અને આરોપી ઝાકીર કાસમ સંધાર (23) ને જેલ હવાલે કર્યો હતો.

આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ન્યાયધીશ વી.પી.અગ્રવાલ સમક્ષ ચાલી જતાં તમામ દલીલોના અંતે આરોપીને 20 વર્ષની સજાનો તથા રૂ.17 હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. અને ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.

Tags :