Jamnagar Corporation Food Safety : જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન મકરસંક્રાંતિ સહિતના પર્વને અનુલક્ષીને ચેકિંગની કાર્યવાહી ધરવામાં આવી હતી, અને શહેરની જુદી જુદી દુકાનો તથા ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા 40 જેટલા એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને ફૂડના સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત શહેરમાં પીવાના પાણીનો વેપાર કરતા 20 જેટલા વિતરકોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરી પાણીના નમુના લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા છે.
મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને રાજય સરકારની ડ્રાઈવ અંતર્ગત તથા જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફટી ઓફિસર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જેમ કે, પોલીશ ચોકી, સુભાષ માર્કેટ, લંઘાવાડનો ઢાંળિયો, રણજીત રોડ, ગ્રેઇન માર્કેટ, જુના રેલ્વે સ્ટેશન રોડ, 5 દિગ્વિજય પ્લોટ, હવાઈ ચોક, 15 દિગ્વિજય પ્લોટ, વિકાસગૃહ રોડ, જી.જી.હોસ્પિટલ સામે વગેરે વિસ્તારમાંથી ચીકકી(12), તલ, રાજગરાના લાડુ (6), દેશી ગોળ (4), ફાફડા (6), જલેબી (3), ઓઈલ (3), બેસન (4), ઊંધિયું(4) સહિત ખાદ્ય પદાર્થના કુલ 40 નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.
સંભવિત રોગચાળા અનુલક્ષીને શહેરના રોગચાળા શંકાસ્પદ વિસ્તારમાં સપ્લાય થતા લુઝ ડ્રી-કીંગ વોટર, બરફની આઈસ ફેક્ટરી વગેરે જગ્યાએથી 20 લુઝ ડ્રીન્કીંગ વોટર જેટલા પાણીના નમુના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી ઢીચડા ખાતે બેક્ટેરીયોલોજીકલ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે.
આ ઉપરાંત તા.18/01/2026 ના રોજ નાગનાથ ગેઇટ વિસ્તારમાં આવેલ હઝરત પીર હાજીશાહ ડાડાની જગ્યાએ યોજાનાર ઉર્ષના મેળામાં ન્યાઝના કાર્યક્રમમાં મીઠા ભાતનું જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફીસર દ્વારા ચેકિંગ કામગીરી કરી જરૂરી હાઇજેનિક કંડીશન જાળવવા અંગેની જરૂરી સૂચના આપી ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.


