જામનગર શહેરમાં જર્જરિત ઈમારતોની પ્રિ-મોન્સુન કામગીરીના સંદર્ભમાં મનપા દ્વારા સર્વે કરાયું
Jamnagar Corporation : જામનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન સર્વે યોજીને જર્જરિત ઈમારતોને નોટીસો આપવાની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલના દિવસોમાં તંત્રએ 222 જેટલી ઇમારતોનો સર્વે કર્યા બાદ કુલ 147 સ્થળોએ ઈમારતોની જર્જરિત સ્થિતિ સુધારવા નોટીસો આપવામાં આવી છે.
કોર્પોરેશનની ટીપીઓ. એસ્ટેટ અને ફાયર શાખાના કર્મચારીઓની બનેલી 6 ટીમો દ્વારા મે માસમાં જર્જરિત ઈમારતોનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન ટીમો દ્વારા કુલ 222 ઈમારતોનો સર્વે કરવામાં આવતાં ગત વર્ષે જે ઈમારતો જર્જરિત તરીકે ગણાઈ હતી. તેમાંની ઈમાતરોમાં રીપેરીંગ સહિતના ફેરફારો થઈ જવા પામ્યા છે. 19 વોર્ડના તમામ વિસ્તારો જેમાં ખાસ કરીને જુના જામનગરના વિસ્તારોમાં જુના મકાનો વિશેષ હોવાથી તંત્રની ટીમો દ્વારા આ વિસ્તારોમાં સર્વે કરતી વેળાએ ખાસ ધ્યાન અપાય છે. ચાલુ મહિનામાં આવા સર્વે દરમિયાન 147 સ્થળોએ મકાનોના છજા, ગેલેરી, અગાશીની પારાપેટ સહિતના ભાગો જર્જરિત થઈને પડે તેવા જણાતા હોવાથી ટીમો દ્વારા આ તમામ સ્થળોના ભોગવટા કરતા લોકોને મકાનોના જર્જરિત હિસ્સાને દુર કરીને સલામત સ્તરે લવવાની કાર્યવાહી કરીને રીપોર્ટ આપવા નોટીસો આપવામાં આવી છે.
શહેરમાં કોર્પોરેશનની 1404 આવાસ યોજનાના 1404 ફુલેટોને 2018થી જોખમી ગણીને નોટીસો અપાયા બાદ આ કોલોનીના બે માળના 117 બ્લોક્સ પૈકીના 66 બ્લોક્સના 792 ફલેટસ તોડી પાડવામાં આવ્યા છે. આ જ રીતે હાઉસીંગ બોર્ડ સાધના કોલોનીના 29 બ્લોક્સના 348 ફલેટસ તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 1404 આવાસોના બાકી રહેલા આવાસો પણ તોડી પાડવાની તૈયારી ચાલતી હોવાના સંકેતો સાંપડે છે. આમ શહેરમાં છેલ્લા એક વર્ષમાં તંત્રએ જોખમી ગણેલા એવા 147 જેટલી જોખમી ઇમારતોને સેઇફ સ્ટેજે લઈ જવા નોટિસ પાઠવી છે.