Get The App

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા 1 - image

Jamnagar Crime : જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને ધિંગાણાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તપાસ દરમિયાન બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવતા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદો નોંધી કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસ મુજબ તા. 17 જૂનના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે ગોકુલનગર જકાતનાકા પાસે મોટરસાયકલ અડી જવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં બંને પક્ષના લોકો એકત્ર થઈ જતાં મામલો ઉગ્ર બન્યો હતો, અને જાહેરમાં મારામારી સર્જાઈ હતી. એક ફરિયાદમાં પરેશ અરવિંદભાઈ ધોકીયાએ નરેશ ડાંગર, રાહુલ ડાંગર, સાગર બેડીયાવદરા, અમિત આંબલીયા, રોહિત સોલંકી અને ચિની કોળી સામે ગેરકાયદેસર મંડળી રચી લાકડાના ધોકાથી હુમલો કરવો, ઈજાઓ પહોંચાડવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ રોકડ રકમ અને વાહનની ચાવી બળજબરીથી લઈ જવાના આક્ષેપો સાથે ગુનો નોંધાવ્યો છે. જ્યારે સામા પક્ષે નરેશ રાજશીભાઈ ડાંગરે પરેશ ધોકીયા, હસનભાઈ સાતીર, પૃથ્વીરાજસિંહ ક્યોર, મનસુખભાઈ શીંગળ અને હરપાલસિંહ જાડેજા સામે મારામારી, ગાળો આપી હુમલો કરવા અને ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે.

બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ બનાવમાં સંડોવાયેલા તમામ 10 શખ્સોની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પક્ષો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જાહેરમાં કાયદો હાથમાં લેનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.