જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઘર પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી પડવાની બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ દિગ્વિજય પ્લોટ-58, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલીમાં રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ રમણીકભાઈ નંદાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના ભત્રીજા રોહિતભાઈ રામજીભાઈ નંદાના ઘરે કડિયાકામ ચાલી રહ્યું હતું. બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી તેમના ઘર તરફ પડતા હોવાથી તેમણે આ બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆતને લઈને રોહિતભાઈ નંદા ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ડાબા હાથના ખભા પાછળના ભાગે ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
દરમિયાન ફરિયાદીના પત્ની વચ્ચે પડતાં આરોપી નિકીતાબેન રોહિતભાઈ નંદાએ તેમના પર હુમલો કરી બંને હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ રીનાબેન ધવલભાઈ નંદા અને રેખાબેન રામજીભાઈ નંદા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી તથા તેમના પત્ની સાથે ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીના પત્ની અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું પણ નોંધાયું છે. આ બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 351(3), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








