વિજ ચોરીના મામલે સૌથી વધુ ગુનેગારોની યાદીમાં જામનગર શહેર સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે
Jamnagar : ગત નાણાંકિય વર્ષના અંતિમ મહિનામાં રાજયના પોલીસ વડા દ્વારા રાજયભરના માથાભારે તત્વો વિરૂદ્ધ 100 કલાકના ઓપરેશન અંતર્ગત જામનગર જિલ્લાના 285 સહિત રાજયભરના 7612 અસામાજીક તત્વોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં સૌથી ગુનેગારો સુરેન્દ્રનગર જિલ્લામાં છે, અને બીજા ક્રમે જામનગરનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લા પોલીસે હિસ્ટ્રીશીટર, બુટલેગર, હત્યા, પ્રોહિબીશન સહિતના ગુનામાં સંડોવાયેલા અપરાધીઓનું લીસ્ટ તૈયાર કર્યા બાદ અપરાધીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, અને બેડી વિસ્તારમાં 10 કરોડથી વધુની કિંમતી પાંચ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત 113 જેટલા અસામાજીક તત્વોના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી રૂ.114.38 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં જામનગરના અસામાજીક તત્વો અવ્વલ
તાજેતરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ વીજ ચોરીના આંકમાં સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રના 16 સર્કલમાં જામનગર સર્કલ 41.28 કરોડની વીજ ચોરી સાથે અવ્વલ સ્થાને રહ્યું હતું, અને હવે અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવતી વીજ ચોરીમાં પણ જામનગર મોખરે છે.
સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં ઓપરેશન 100 કલાક અંતર્ગત 600 જેટલા અસામાજીક તત્વોના વીજ જોડાણ કાપી રૂ.522.6 લાખનો દંડ ફટકારવામાં આવેલ જેમાં જામનગરના સૌથી વધુ 113 અસામાજીક તત્વોના બિન અધિકૃત જોડાણ કાપવામાં આવેલાં છે, અને રૂ.114.38 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.