જામનગર શહેર, ધ્રોળ-જોડીયા અને લાલપુરમાં ગઈકાલે અડધાથી દોઢ ઇંચ વરસાદ : લાલપુરના હરીપરમાં ધોધમાર અઢી ઇંચ
Jamnagar Rain Update : જામનગર શહેર, ધ્રોળ, જોડીયા અને લાલપુર તેમજ કાલાવડમાં ગઈકાલે રવિવારે વરસાદ ચાલુ રહ્યો હતો, અને અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં લાલપુરના હરીપર ગામના ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે.
જામનગર શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે પણ સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
આ ઉપરાંત જોડિયામાં ગઈકાલે ફરીથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, અને છેલ્લા 24 કલાક દરમિયાન 38 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત લાલપુરમાં પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો અને 36 મી.મી. વરસાદ નોંધાયો છે. તેમજ કાલાવડમાં 6 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો લાલપુર તાલુકાના હરીપર ગામમાં 63 મી.મી. જ્યારે મોટા ખડબામાં 40 મી.મી. અને પીપટોડામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં 42 મી.મી., ભલસાણ બેરાજામાં 35 મિમી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત જોડીયા તાલુકાના બાલંભા અને પીઠડ ગામમાં 36 મી.મી. ઉપરાંત જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં 37 મી.મી. વરસાદ નોંધાયો છે.