સૌરાષ્ટ્ર- કચ્છમાં પાવરચોરીમાં જામનગર સર્કલ અગ્રેસર, 41.28 કરોડનાં બિલ અપાયાં
છેલ્લા 1 વર્ષ દરમિયાન 63198 વીજ જોડાણોમાં વીજચોરી પકડાઈ : થાંભલેથી ડાયરેક્ટ લંગર, મીટર બાયપાસ, મીટરનાં સીલ અને સર્વિસ વાયર સાથે ચેડાં કરી થતી પાવર ચોરી : ઉનાળામાં સર્વાધિક વીજચોરી
રાજકોટ, : સૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષોથી વીજચોરીનું દૂષણ યથાવત રહ્યું છે. દર વર્ષે પોલીસ ફર્સ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલા જુદા જુદા 12 સર્કલોના વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોવા છતાં વીજચોરીનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું હોય તેવી ચોંકાવનારી આંકડાકિય વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં ગત વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં જે 4,74,347 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં તેમાંથી 63198 વીજ જોડાણોમાં વીજચોરી પકડાતા રૂા 271 કરોડના બિલો ફટકારવામાં આવ્યા હતાં. જેમાં સૌથી વધુ રૂા. 41.28 કરોડની વીજચોરી જામનગર સર્કલમાંથી પકડાઈ હતી.
સૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષ 2024-2025 દરમિયાન પાવચોરીનાં એક કરોડથી વધુ રકમના બિલ ફટકારવામાં આવ્યા છે. તેમાં ભચાઉ તાલુકાના મનફરા ગામના સિલિકા મેન્યુફેકચરીંગ યુનિટના વીજ જોડાણમાં મીટર બાયપાસ કરીને પાવર ચોરી કરવામાં આવતા રૂા 1 કરોડ 65 લાખ ૨. ટંકારા તાલુકાના વાધગ્રા ગામમાં ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના વીજ જોડાણમાં ટર્મીનલના સીલ સાથે ચેડા કરી વીજચોરી કરાતા રૂા 1.16 કરોડનું બિલ અપાયું હતું. કોટડા સાંગાણી તાલુકાનાં વેરાવળમાં એન્જીનીયરીંગ વર્કસ યુનિટમાં મેગ્નેટનો ઉપયોગ કરીને પાવર ચોરી થતી હોવાનું પકડાતા રૂા 1.15 કરોડ ૪. ગોંડલ તાલુકાના શેમળા ગામે સ્પિનિંગ મીલનું મીટર શંકાસ્પદ જણાંતા લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવતા મીટર ધીમુ ફરતુ હોવાનું જણાતા રૂા. 2.41 કરોડનું. ૫. વાંકાનેર તાલુકાના લક્કડધાર ગામે ટાઈલ્સના યુનિટમાં મીટર ધીમું ફરતુ હોવાથી રૂા 2.13 કરોડનું પુરવણી બિલ આપવામાં આવ્યું હતું. PGVCL દ્વારા એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ પાવરચોરી જામનગર સર્કલ હેઠળના વિસ્તારોમાં પકડાઈ હતી. કુલ 7350 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાતા સૌથી વધુ રૂા. 41.28 કરોડનાં બિલ આપવામાં આવ્યા હતાં.