જામનગરના બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે 'શ્રવણ'બની 260 વડીલોને કરાવી દ્વારકાધીશની પાવન યાત્રા
પવિત્ર શ્રાવણ માસના દિવ્ય અવસરે, જ્યારે દરેક વ્યક્તિ પુણ્યનું ભાથું બાંધવા તત્પર હોય છે, ત્યારે જામનગરના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે એક અનોખો સેવા યજ્ઞ આયોજિત કર્યો હતો. આધુનિક સમયમાં શ્રવણ કુમારની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા, સંસ્થા દ્વારા સર્વ જ્ઞાતિના વરિષ્ઠ નાગરિકો માટે એક દિવસીય ‘શ્રવણ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે સતત ચોથા વર્ષે આયોજિત આ યાત્રામાં 260 જેટલા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દેવાધિદેવ દ્વારિકાધીશના દર્શનનો લ્હાવો લીધો હતો.
આ ભક્તિમય યાત્રાનો પ્રારંભ ગત તારીખ 07 ઓગસ્ટના રોજ સવારના સાત કલાકે જામનગરથી થયો હતો. વહેલી સવારથી જ વડીલોના ચહેરા પર યાત્રાએ જવાનો આનંદ અને ઉત્સાહ છલકાતો હતો. યાત્રાનો પ્રથમ મુકામ જગત મંદિર દ્વારકા હતો, જ્યાં તમામ વડીલોને શ્રી દ્વારિકાધીશના દર્શન કરાવવા માટે સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર અને સુવિધાજનક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈ પણ વડીલને ભીડ કે અગવડતાનો સામનો કરવો ન પડે. શાંતિપૂર્ણ માહોલમાં કાળિયા ઠાકરના દર્શન કરી વડીલોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ યાત્રાનો કાફલો માતા રૂક્ષ્મણીજી મંદિર, પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ અને મોમાઈ મોરા ખાતેના ધાર્મિક સ્થળોએ પહોંચ્યો હતો, જ્યાં પણ સૌએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.
આ સંપૂર્ણ યાત્રાનું આયોજન વડીલો માટે નજીવા દરે કરવામાં આવ્યું હતું. દરેક યાત્રાળુ પાસેથી ફક્ત 100 રૂપિયાનો ટોકન ચાર્જ લેવામાં આવ્યો હતો, જેની સામે સંસ્થા દ્વારા બસમાં આવવા-જવાની સુવિધા, સવારે અને સાંજે ચા-નાસ્તાની વ્યવસ્થા તથા બપોરે દ્વારકા ખાતે શુદ્ધ અને સાત્વિક ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શ્રવણ યાત્રામાં 260 વડીલોની દેખરેખ અને સુવિધા માટે સંસ્થાના 20 જેટલા નિષ્ઠાવાન સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા અને દરેક યાત્રાળુની અંગત કાળજી લીધી હતી. આ ઉમદા કાર્યમાં ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ ભરપૂર સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે આયોજન વધુ સુવિધાજનક બન્યું હતું.
આ સમગ્ર શ્રવણ યાત્રાને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કેતન ભટ્ટના માર્ગદર્શન હેઠળ શ્રી સુનિલ જોષી, સિમિત રાવલ, જયદિપ રાવલ, મહેશ રાવલ, કિરીટ ઠાકર, રાજેશ ઠાકર, કપિલ રાવલ, સંજય ઓઝા, રાજુ વ્યાસ, જામ્બાલી રાવલ સહિતના ભાઈઓ તથા અર્ચના જોષી, મનીષા જોષી, જયેષ્ઠા જોષી, મનીષા ઠાકર, હિના ઠાકર, વાસંતી ઠાકર, ધરતી વ્યાસ, ઉષા પંડ્યા અને વિદ્યા મહેતા સહિતના મહિલા કાર્યકરો અને સંસ્થાના તમામ હોદ્દેદારો તથા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. દિવસભરની યાત્રા પૂર્ણ કરી રાત્રે તમામ વડીલો સહીસલામત અને સંતોષના ભાવ સાથે જામનગર પરત ફર્યા હતા.