ટ્રાવેલ્સના ચોર ખાનામાંથી જામનગરના બુટલેગરનો 14.33 લાખનો દારૃ ઝડપાયા
અમદાવાદ-રાજકોટ હાઈવે પર વઢવાણના બલદાણા પાસે
દારૃ, ટ્રાવેલ્સ સહિત રૃા.૨૭.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ રાજસ્થાનના ત્રણ શખ્સ ઝડપાયા ઃ સાત સામે ગુનો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એલસીબી ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વઢવાણના બલદાણા ગામના પાટિયા પાસેથી એક ખાનગી લકઝરી બસ(ટ્રાવેલ્સ)માં સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી રૃ.૧૪.૩૩ લાખનો વિદેશી દારૃ ઝડપી પાડયો હતો. એલસીબી પોલીસે દારૃ, ટ્રાવેલ્સ સહિત રૃા.૨૭.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ત્રણ શખ્સ ઝડપી પાડયા હતા. પોલીસે દારુનો જથ્થો મંગાવનાર જામનગરના બુટલેગર સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી જિલ્લામાં મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ એલસીબી ટીમે પેટ્રોલીંગ તેમજ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ર્ધયું હતું. જે દરમિયાન બલદાણા ગામના પાટિયા પાસે જામનગર જતી એક ખાનગી લકઝરી બસ (ટ્રાવેલ્સ)ને રોકી તેની તલાસી લેતા સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનાઓમાં સંતાડેલ ઈંગ્લીશ દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો અને ઈંગ્લીશ દારૃની અલગ-અલગ બ્રાન્ડની બોટલો કુલ નંગ-૧૦૪૨ કિંમત રૃા.૧૪.૩૩ લાખ તેમજ ખાનગી ટ્રાવેલ્સ કિંમત રૃા.૧૩ લાખ, મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૃા.૧૦,૫૦૦ સહિત કુલ રૃા.૨૭.૪૩ લાખના મુદ્દામાલ સાથે બસ ચાલક બાબુલાલ ભીમારામ સૌબિસ્નોઈ, મોટારામ કલરામ ચૌધરી અને અશોક ભુરારામ માંજુ બિસ્નોઈ (તમામ રહે.રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.
ઝડપાયેલ શખ્સોની પુછપરછ કરતા અજાણ્યા શખ્સે પીકઅપમાં દારૃ ભરી આપ્યો હતો અને ખાનગી લકઝરી બસ દ્વારા ઈંગ્લીશ દારૃનો જથ્થો જામનગર ખાતે રહેતા બે શખ્સોએ મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે માલ મંગાવનાર જામનગરના મયુરસિંહ જાડેજા, મહાવિરસિંહ દેવાજી જાડેજા, અજાણ્યા પીકઅપનો ચાલક અને ખાનગી લકઝરી બસનો માલીક તેમજ ઝડપાયેલ ત્રણ શખ્સો સહિત કુલ ૭ સામે વઢવાણ પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.