જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પંચેશ્વર ટાવર નજીક આવેલી એક બિલ્ડિંગના નવમા માળેથી કૉલેજિયન યુવતીએ કૂદીને પોતાનું આયુષ્ય ટૂંકાવી લીધું છે.
નવમા માળેથી લગાવી મોતની છલાંગ
જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં આજે સવારે અંદાજે નવેક વાગ્યાની આસપાસ એક લોહીયાળ ઘટના સર્જાઈ હતી. અહીં એક 22 વર્ષીય યુવતી શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પ્રવેશી હતી અને લિફ્ટ મારફતે સીધી નવમા માળે પહોંચી હતી. નવમા માળે પહોંચ્યા બાદ તેણીએ કંઈપણ વિચાર્યા વગર નીચે છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી પછડાટના કારણે યુવતીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભારે રક્તસ્ત્રાવ થવાના લીધે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ કાફલો ઘટનાસ્થળે, ઓળખ થઈ જાહેર
આ ભયાનક ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવતીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ જામનગર સિટી “એ” ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા યુવતી લિફ્ટ મારફતે નવમા માળે જતી સ્પષ્ટ જોવા મળી હતી. તપાસ દરમિયાન મૃતક યુવતીની ઓળખ દ્રષ્ટિ જતીનભાઈ પારેખ (ઉંમર 22) તરીકે થઈ છે. તે કલ્યાણીના ચોક પાસે આવેલા ઝવેરીની ડેલી વિસ્તારમાં રહેતી હતી.
ડિપ્રેશનના કારણે પગલું ભર્યાની આશંકા
મૃતક દ્રષ્ટિ સીએ (Chartered Accountant - CA) નો અભ્યાસ કરતી હતી અને તેના પિતા સોની કામની દુકાન ધરાવે છે. પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન અને દાદીમા સહિત પાંચ સભ્યો રહે છે. હજુ તાજેતરમાં જ આખો પરિવાર કેદારનાથની ધાર્મિક યાત્રાએ જવાની તૈયારીઓ કરી રહ્યો હતો, તેવામાં દીકરીના આવા આકસ્મિક પગલાંથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી છેલ્લા થોડા સમયથી કોઈ વ્યક્તિગત કારણોસર ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતી, જેના લીધે તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.









