જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત, આખા ગામમાં આક્રંદ
AI Image |
Jamkandorna News : રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે એક અત્યંત કરુણ ઘટના બની છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા અને કમનસીબે પાણીમાં ડૂબી જવાથી તેમના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી હાલમાં ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ બાળકો આજે સવારે તળાવમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે અચાનક તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાં આસપાસના લોકો અને તરવૈયાઓને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે, લાંબા સમયની શોધખોળ બાદ ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં ભાવેશ ડાંગી (ઉં. 6), હિતેશ ડાંગી (ઉં. 8) અને નીતેષ માવી (ઉં.7)નો સમાવેશ થાય છે, જે પૈકી બે સગા ભાઇ હોવાનું જાણવા મળ્યું છે.
હાલ ત્રણેય મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ બાળકોના અકાળે અવસાનથી શોકગ્રસ્ત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.