Jamnagar : જામજોધપુરમાં સાગરપા ચકલામાં રહેતી અંજનાબેન નટુભાઈ ખાંટ નામની 49 વર્ષની મહિલાએ પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને હાલ તેની ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવ અંગે પોલીસને જાણ થતાં જામજોધપુરના પોલીસ ઉપલેટાની હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને અંજનાબેનનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેઓએ જામજોધપુરમાં જ રહેતા ચીમનભાઈ મોહનભાઈ ખાંટ અને તેના પુત્ર આશિષ ચીમનભાઈ ખાંટની ધાકધમકીના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું.
ફરીયાદીએ આરોપી ચીમનભાઈ સામે અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી, જેનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જે કેસ પાછો ખેંચી લેવા માટે બંને આરોપીઓએ ધાકધમકી આપી સમગ્ર પરિવારને પતાવી દેવાનું જણાવતાં તેમજ આ કેસના એક સાક્ષી મૃત્યુ પામતાં અંજનાબેન હતાશ થઈ ગયા હતા, અને ડરના કારણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે, જેથી જામજોધપુર પોલીસે આરોપી ચીમનભાઈ મોહનભાઈ ખાંટ અને તેના પુત્ર આશિષ ચીમનભાઈ સામે ગુનો નોંધ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


