ઉમિયાધામમાં ૨૨ સંસ્થા અને બાલાજી રોડ પર ગામઠી થિમ સાથે જલારામ જંયતિ ઉજવાશે
તા.૩જી નવેમ્બરે સુરતમાં અનેક જગ્યાએ જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિની ઉજવણી કરાશે
ભંડારા અને ભજન સંધ્યાના પણ આયોજન
તા-૧લી નવેમ્બર ૨૦૧૯ સુરત, શુક્રવાર
''રામ નામ મે લિન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરૃ જય જય જલારામ'' સૌરાષ્ટ્રની ધરતીના સંત જલારામ બાપાની તા.૩જી નવેમ્બરે ૨૨૦મી જન્મજયંતિ છે. સુરતમાં આ પ્રસંગે વિવિધ જગ્યાએ ઉજવણીના આયોજન કરવામાં આવ્યા છે. બાલાજી રોડ પર ગામઠી થિમ સાથે તો ઉમિયાધામમાં લોહાણા સમાજની ૨૨ સંસ્થાઓ સાથે મળીને ઉજવણી કરશે.
બાલાજી રોડ પર જલારામ બાપાના મંદિરમાં જલારામ સેવા મંડળ દ્વારા ગામઠી થિમ સાથે બાપાની જયંતિ મનાવાશે. જેમાં મંદિર અને આસપાસ ગામડા જેવું વાતાવરણ જોવા મળશે. જલારામ બાપાએ તેમના ધર્મપત્ની વિરબાઇને ભગવાન સાથે મોકલી આપ્યા હતા તે ઘટનાનો કટ આઉટ પણ મૂકવામાં આવશે. આ દિવસે સવારે ૫ વાગ્યે અન્નકુટ દર્શન થશે, જ્યારે ૯ વાગ્યે ભંડારો થશે. આ સંસ્થા દ્વારા વિધવા સહાય, મેડિકલ સહાય અને શૈક્ષણિક સહાય જેવા સમાજસેવાના કાર્યો કરવામાં આવે છે. આ સિવાય વરાછા ઉમિયાધામ ખાતે પણ જલારામ જયંતિનુ આયોજન કરાયું છે. અહીંની વિશેષતા એ છે કે, સુરતની રઘુવંશી લોહાણા સમાજની ૨૨ સંસ્થાઓ એકત્ર થઇને ઉજવણી કરશે. જે અંતર્ગત બે શોભાયાત્રા નીકળશે. સવારે ૯.૩૦ વાગ્યે લાભેશ્વર મંદિર, વરાછાથી અને એ જ સમયે અડાજણમાંથી પણ શોભાયાત્રા નીકળશે. બંને યાત્રા વરાછા ઉમિયાધામ ખાતે આવશે. અને અહીં બપોરેે ૧૨ વાગ્યે અન્નકુટ, મહાઆરતી બાદમાં ભંડારો થશે. રાત્રે ૮ વાગ્યે ભજનોની રમઝટ થશે. ઘોઘારી લોહાણા મહાજનનાં પ્રમુખ વ્રજેશ ઉનડકટે કહ્યુ કે, બે વર્ષ પહેલા ૨૨ સંસ્થાઓ દ્વારા પોતપોતાની રીતે નાના આયોજન થતા હતા પણ હવે બે વર્ષથી બધા ભેગા મળીને સમાજની એક્તા સાથે ભાઇચારાની ભાવના બતાવીને ઉજવણી કરી રહ્યા છીએ. આ મંડળ દ્વારા વર્ષ દરમિયાન સમાજ સેવાના પણ કામો કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રી વિરબાઇમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પટેલ પ્રગતિ મંડળની વાડી, અડાજણ ખાતે ઉજવણીમાં સવારે ૯.૩૦ કલાકે દર્શન, મહાપ્રસાદ સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી, જ્યારે સાંજે ૬થી ૧૦ વાગ્યા સુધી લોકડાયરો થશે. શ્રી જલારામ સેવા ટ્રસ્ટ વેસુ દ્વારા સવારે ૮ વાગ્યે યજ્ઞા, બપોરે ૧૨ વાગ્યે રાજભોગ આરતી અને બાદમાં મહાપ્રસાદી તથા સાંજે ૭ વાગ્યે સાયંઆરતી અને સાંજે ૭.૩૦ વાગ્યે લોક ડાયરો યોજાશે. આ સિવાય સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા દરમિયાન રક્તદાન શિબિર થશે. આ સિવાય પણ શહેરમાં વિવિધ જગ્યાએ જલારામ જયંતિ મનાવાશે.