પાદરા તાલુકાની સરકારી શાળા 600 આંબાઓના કારણે આત્મ નિર્ભર બનશે
વડોદરાઃ શહેરના પાદરા તાલુકાના જલાલપુરાની સરકારી પ્રાથમિક શાળા અન્ય શાળાઓ માટે ઉદાહરણરુપ બની રહી છે.આ શાળામાં ઉભા કરાયેલા આંબાવાડિયાના કારણે હવે શાળા નાણાકીય રીતે પણ આત્મનિર્ભર બનવાના રસ્તે છે.
આ શાળાના આચાર્ય અને પર્યાવરણ પ્રેમી રમણભાઈ લિંબાચીયા શાળાના બાળકોને પણ પર્યાવરણ સાથે પ્રેમ કરવાના પાઠ ભણાવી રહ્યા છે.તેઓ બાળકોને ખેતી વિષયક જ્ઞાાન પણ આપે છે અને તેની તાલીમના ભાગરુપે તેમણે સ્કૂલના સંકુલમાં ૬૦૦થી વધારે આંબાઓને વિદ્યાર્થીઓની મદદથી વાવ્યા છે.હવે આ આંબાવાડિયાના આંબાઓ પર કેરી આવી રહી છે.આ વર્ષે કેરીઓ બજારમાં વેચીને રમણભાઈ વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં વોશરુમ્સની સુવિધા ઉભી કરશે.
રાજ્યભરની ઉત્તર બુનિયાદી સ્કૂલોમાં એક માત્ર જલાલપુરાની શાળા એવી છે જ્યાં જાપાનીઝ પધ્ધતિથી ૩૦૦૦ કરતા વધારે વૃક્ષોનું મિયાવાકી જંગલ ઉભું કરવામાં આવ્યો છે.જેનાથી સજીવ સૃષ્ટિને પણ સાનુકુળ વાતાવરણ મળી રહ્યા છે.રણજીતભાઈ કહે છે કે, સ્કૂલમાં અમે દવા તરીકે કામ આવે તેઓ અલાયદો બગીચો પણ બનાવ્યો છે.વિદ્યાર્થીઓને અહીંયા ઉગતા તમામ પ્લાન્ટસના નામ અને તેનો ઉપયોગ કયા પ્રકારની બીમારીમાં કરવામાં આવે છે તે પણ શીખવાડવામાં આવે છે.રમણભાઈ સ્કૂલમાં પોતાના, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જન્મ દિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને જ કરે છે.તેમનુ કહેવું છે કે, બાળકોને પ્રકૃતિની વચ્ચે રહીને પ્રકૃતિનું સંરક્ષણ કરતા શીખવાડવાના કારણે હવે બાળકો પોતાના ઘરની આસપાસ પણ વૃક્ષો વાવી રહ્યા છે.