Gujarat

જલાલપુર ગામમાં પ્રથમ વરસાદમાં જ પાણીનો ભરાવો, ગ્રામજનોને હાલાકી

By GS TEAM
22 Jun 20252 mins read
જલાલપુર ગામમાં પ્રથમ વરસાદમાં જ પાણીનો ભરાવો, ગ્રામજનોને હાલાકી

- ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ગામ બેટમાં ફેરવવાની ભીતિ

- સરકારી ગેસ્ટહાઉસ પાસે ગેરકાયદે બાંધકામો અને માટી પુરાણના કારણે પરિસ્થિતિ સર્જાઇ

બગોદરા : ધોળકા તાલુકાના જલાલપુર ગામમાં પ્રથમ વરસાદમાં જ પાણીનો ભરાવો થતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો અનુસાર સરકારી ગેસ્ટહાઉસ પાસે ગેરકાયદે બાંધકામો અને માટી પુરાણના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ગામ બેટમાં ફેરવવાની ભીતિ સર્જાય તેવી ભીતિને પગલે તાકિદે સમસ્યાનું નિરાકરણ લાવવા ગ્રામજનોએ માંગ કરી છે.

ધોળકા તાલુકાના જલાલપુર, વજીફા ગામમાં બે દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજુ સુધી ભરાયેલા છે, જેનાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોળકાથી આંબલિયાળા ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા રહેતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ગામની શાળા પાસે પણ પાણી ભરાયેલા હોવાથી વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે, જે તેમની સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય છે.

ચોમાસાની હજુ તો શરૂઆત જ છે અને આવા હાલ છે, ત્યારે જો વધુ વરસાદ પડશે અને ઉપરવાસમાંથી પાણી આવશે તો આખું ગામ બેટમાં ફેરવાઈ જવાની સંભાવના છે. ગ્રામજનોના મતે, આ સમસ્યાનું મુખ્ય કારણ ગામ નજીક સરકારી રેસ્ટ હાઉસ પાસે થયેલા ગેરકાયદેસર બાંધકામો અને માટી પુરાણ છે, જેના કારણે પાણીના નિકાલનો માર્ગ અવરોધાઈ ગયો છે.

સ્થાનિક ધારાસભ્યને આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં, પાણીના નિકાલ માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય.