જયપુરના મેયર સુરતની સ્વચ્છતા અને પ્રોજેક્ટથી પ્રભાવિત, પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટ જયપુરમાં અમલ કરાશે
Surat : રાજસ્થાન રાજ્યના જયપુર શહેરના મેયર છેલ્લા ત્રણ દિવસથી સુરતની મુલાકાતે છે. સુરતની મુલાકાતથી જયપુરના મેયર સુરતની સ્વચ્છતા અને પ્રોજેક્ટથી પ્રભાવિત થયાં છે. તેઓએ સુરત અને જયપુર વચ્ચે ટેકનોલોજીનો આદાન પ્રદાન થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી અને સ્વચ્છતામાં ભારતભરમાં પ્રથમ આવવા બદલ સુરતને અભિનંદન આપ્યા હતા.
સ્વચ્છતા લીગમાં સુરત દેશનું પ્રથમ ક્રમ જાહેર થયા બાદ સુરત શહેરની મુલાકાતે અનેક શહેરોમાંથી મેયર સહિતના અગ્રણીઓ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી જયપુરના મેયર સોમ્યા ગુર્જરે પાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સનો અભ્યાસ કર્યો હતો. ત્રણ દિવસની મુલાકાત બાદ તેઓએ ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં આપવામાં આવતા પાણીની ગુણવત્તા ઘણી સારી છે. ઉપરાંત પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટની પણ વાત કરતા કહ્યું કે તેઓ જરૂરથી આ પ્રોજેક્ટ જયપુર શહેરમાં પણ અમલીકરણ કરવા આયોજન કરશે. પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત બાદ સુરત મહાનગર અને જયપુર શહેર વચ્ચે ટેક્નોલોજીના આદાનપ્રદાન અંગે પણ શક્યતા દર્શાવી હતી. સાથે સાથે સુરત શહેરના વિવિધ પ્રસિદ્ધ વ્યંજન લોચો, ખમણ તથા બીજી અનેકવિધ વાનગીઓનો વખાણ કરતા તેમણે જણાવ્યું કે તેઓ આ સ્વાદને પોતાની સાથે જયપુર લઈ જઈ રહ્યા છે તેવું પણ જણાવ્યું હતું.