Get The App

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા 1 - image
AI Image

Chaturmas 2025: જૈનોના ચાતુર્માસ હાલ ચાલી રહ્યા છે. અમદાવાદમાં આ વર્ષે ચાતુર્માસમાં વિરાજમાન શાસનપ્રભાવક જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યોની પ્રેરણાથી સામૂહિક માસક્ષમણ એટલે કે સળંગ 30 ઉપવાસનું તપ અનુષ્ઠાન યોજાતાં તેમાં 840 ભાવિકો દ્વારા માસક્ષમણની તપશ્ચર્યા કરવામાં આવી હતી. આ તમામ માસક્ષમણ તપસ્વીઓને સુવર્ણ હાર અર્પણ કરીને તેમનું ભવ્ય બહુમાન 13 ઓગસ્ટના કરવામાં આવશે. 

આ સામૂહિક માસક્ષમણમાં 840 ભાવિકોમાંથી 11થી 14 વર્ષની ઉંમરના 30 નાના બાળકો તેમજ યુવાનો, ડૉક્ટરો, સી.એ. અને 84 વર્ષના વૃદ્ધ તપસ્વીઓનો પણ સમાવેશ થતો હતો. સૌથી મોટા આશ્ચર્યરૂપે તેમાં સળંગ 180 ઉપવાસ અને 108 ઉપવાસના તપસ્વી છે. શુક્રવારે તેમનો સળંગ 152મો અને 82મો ઉપવાસ હતો. આ ઉપરાંત 70-50-45 અને 36 ઉપવાસના તપસ્વીઓ છે. બે નૂતન દીક્ષિતો મુનિ શાશ્વતરત્નવિજયજી, સાઘ્વી ઋષભમિત્રાશ્રીજી દ્વારા પણ માસક્ષમણ આરાધના કરવામાં આવે છે. એટલું જ નહીં એક તપસ્વી પાણી પણ ત્યાગીને ચોવિહાર માસક્ષમણ કરે છે. 

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા 2 - image
જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા 3 - image

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીએ જણાવ્યું કે, ‘અમે છેલ્લા 8 ચાતુર્માસોથી સામૂહિક માસક્ષમણો વિવિધ શહેરમાં કરાવ્યા છે. આ નવમું ચાતુર્માસ છે. કોઇપણ ચાતુર્માસના માસક્ષમણની સંખ્યાની દ્રષ્ટિ જોઇએ તો અમદાવાદના માસક્ષમણની સંખ્યા સૌથી વઘુ છે. તમામ 9 ચાતુર્માસમાં અમારી નિશ્રામાં કુલ 3198 માસક્ષમણ થયા છે. આ માટે અમદાવાદના પંકજ-આંબાવાડી-ઓપેરા-નવકાર-ગૌતમ સ્વામીના પાંચ સંઘો તેમજ ત્યાં ચાતુર્માસ રહેલા આચાર્ય રશ્મિરત્નસૂરી, આગમરત્નસૂરી, ધર્મરત્નસૂરી,  પં.હિતરત્ન વિ., પં. અક્ષયરત્ન વિ., મુનિ પ્રશમરત્ન જેવા અમારો શિષ્યો ખૂબ જ પુરૂષાર્થ કર્યો છે.  

આ તમામ તપસ્વીઓનું બહુમાન 13 ઓગસ્ટે કરાશે. આ ઉપરાંત 14 ઓગસ્ટે વાસણાથી રિવરફ્રન્ટ સુધી ભવ્ય તપયાત્રા વરઘોડો યોજાશે. 15 ઓગસ્ટે રિવરફ્રન્ટમાં નિર્માણ કરાયેલા ધર્મ-સૂર્યોદય તપનગરમાં તમામ તપસ્વીઓનો પારણા સમારોહ થશે.  માસક્ષમણનો વિરાટ મહોત્સવ 13 દિવસ સુધી અનેક કાર્યક્રમો સાથે યોજાશે. 

Tags :