સુરતથી જૈનસમાજ દ્વારા 11 કિલોની ચાંદીની શીલા અયોધ્યા મોકલાઇ
શુભ મંગલ ફાઉન્ડેશને જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરિજીનાં આશિર્વાદ સાથે રજતદ્રવ્ય સંઘનાં સેવકોને સોપ્યુ
સુરત તા-1 ઓગષ્ટ 2020 શનિવાર
તા-૫મી
ઓગષ્ટે અયોધ્યા ખાતે રામમંદીરનો શિલાન્યાસ થવાનો છે. આ પ્રંસગે દેશભરમાંથી લોકો
પ્રસાદી રૃપે દ્રવ્ય આપી રહ્યા છે. સુરતમાંથી જૈનસમાજ દ્વારા ૧૧ કિલોની ચાંદીની
શીલા અયોધ્યા મોકલવામાં આવી છે. શુભ મંગલ ફાઉન્ડેશને જૈનાચાર્ય શ્રી
અભયદેવસૂરિજીનાં આશિર્વાદ સાથે આ રજતદ્રવ્ય આરએસએસનાં સેવકોને સોપ્યુ હતું.
આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરિશ્વરજી મ.એ જણાવ્યુ કે જૈનધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ, બીજા અજીતનાથ, ચોથા અભિનંદનસ્વામી, પાંચમાં સુમતિનાથ ભાગવાન અને ચૌદમાં અનંતનાથપ્રભુની જન્મકલ્યાણકભૂમિ અયોધ્યા નગરીમાં ૫૦૦ વર્ષના સંઘર્ષ પછી કરોડો ભારતીયોની શ્રદ્ધા ફળિભૂત થઇ છે. તેમણે જણાવ્યુ કે રામમંદિરના નિર્માણ માટે સૌ પ્રથમ તા-૬-૧૨-૧૯૯૨માં જૈન સમાજનાં શ્રાવકો બાબુલાલ કોઠારી(કોલકાતા)નાં બંને પુત્રો રામ અને શરદ કોઠારીએ બલિદાન આપ્યુ હતું. આચાર્ય મોક્ષરત્નસૂરિજીએ જણાવ્યુ હતું કે શિલાન્યાસ પ્રસંગ નિર્વિઘ્ને પુર્ણ થાય તે માટે સમગ્ર જૈન સમુદાય દ્વારા વધુને વધુ નવકારમંત્રનો જાપ, માંગલિક આયંબિલનો તપ, સ્નાત્ર મહોત્સવ, અંગરચના, દિપોત્સવ વગેરે કરાશે. શુભ મંગલ ફાઉન્ડેશન દ્વારા અર્પણ કરવામાં આવેલુ ૧૧ કીલો ચાંદીદ્રવ્ય સંઘનાં અગ્રણીઓ દ્વારા અયોધ્યા મોકલવામાં આવશે.