'સંવત્સરીય પ્રતિક્રમણ પહેલા જ મિચ્છામિ દુક્કડમ કહેવું જોઇએ' ઃ આજે સંવત્સરી ઃ વડોદરાના ૩૬ જૈન સંઘોમાં 'બારસાસૂત્ર'નું વાચન થશે
બપોરે ૩.૩૦ વાગ્યે સંઘોમાં પ્રતિક્રમણ થશે ઃ શહેરમાં ૩૦,૦૦૦થી વધુ લોકો જૈન પરંપરા પ્રમાણે એક દિવસનું સાધુ જીવન જીવવાનું 'પૌષધ વ્રત કરશે
વડોદરા ખાતે નરસિંહજીની પોળમાં આવેલા દાદા પાર્શ્વનાથ જીનાલયમાં આંગીના દર્શન |
![]() |
દાદા પાર્શ્વનાથ જીનાલયમાં દિપ પ્રાગટ્યનું દિવ્ય દ્રશ્ય |
શહેરના શ્વેતાંબર મૂર્તિ પુજક ૩૬ જૈન સંઘોમાં ગુરૃવારે 'સંવત્સરી' ઉજવણી થશે. આઠ દિવસના મહાપર્વ પર્યૂષણનો છેલ્લો દિવસ 'સંવત્સરીં' તરીકે ઓળખાય છે આ પ્રસંગે વડોદરાના તમામ જૈનસંઘોમાં ચાતૂર્માસ અર્થે બિરાજમાન આચાર્ય મહારાજ સાહેબો તથા સાધુ-સાધ્વીજી ભગવંતોની પૂણ્ય ઉપસ્થિતિમાં ૧૨૦૦ શ્લોકના જૈન અધ્યાત્મિક શાસ્ત્ર 'બારસા સૂત્ર'નું સવારે વાંચન થશે.
અલકાપુરી જૈનસંઘમાં ચાતૂર્માસ અર્થે બિરાજમાં આચાર્ય કલ્યાણબોધીસૂરીશ્વરજી મહારાજ સાહેબે કહ્યુ ંહતું કે 'સંવત્સરીના દિવસે થતું પ્રતિક્રમણ 'સંવત્સરીય પ્રતિક્રમણ' તરીકે ઓળખાય છે અને વિશ્વના કોઇ પણ ખૂણે રહેતો જૈન આખુ વર્ષ કોઇ પણ સાધના ના કરે પરંતુ સંવત્સરીના દિવસે ચોક્કસ પણે 'સંવત્સરીય પ્રતિક્રમણ' કરે છે. મૂળ શબ્દ 'સંવત્સર' છે જેનો અર્થ થાય છે 'આખુ વર્ષ'
આ સાથે પ્રત્યેક જૈન સંવત્સરીના દિવસે 'પૌષધ વ્રત' પણ અચૂક કરે છે. પૌષધ વ્રત એટલે એક દિવસનું જૈન પરંપરા પ્રમાણેનું સાધુ જીવન જીવવું. કાલે વડોદરામાં ૩૦,૦૦૦થી વધુ લોકો પૌષધ વ્રત કરશે. મહત્વની વાત એ છે કે સંવત્સરીના દિવસે જૈનો મિચ્છામિ દુક્કડમ કહીને આખા વર્ષ દરમિયાન થયેલી ભૂલ અથવા તો કોઇને દુભાવ્યા હોય તો માફી માગીને પસ્તાવો કરે છે. તેમાં જૈનોએ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ 'મિચ્છામિ દુક્કડમ' બપોરે ૩.૩૦ વાગ્યે થતાં સંવત્સરી પ્રતિક્રમણ પહેલા જ થવુ જોઇએ તો જ સંવત્સરી પ્રતિક્રમણનો સાચો અર્થ સરે છે.