Gujarat

જય જય ગરવી ગુજરાત.. : જાણીતી કૃતિનાં સર્જક કવિ નર્મદની આજે જન્મ જયંતી

By GS TEAM
23 Aug 20252 mins read
જય જય ગરવી ગુજરાત.. : જાણીતી કૃતિનાં સર્જક કવિ નર્મદની આજે જન્મ જયંતી

નર્મદની યાદમાં આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મનાવવામાં આવે છે : નોકરી છોડીને માત્ર ગુજરાતી ભાષામાં કલમના ખોળે જિંદગી ગુજારનાર સર્જકે 12 વર્ષની જહેમતના અંતે ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ રચ્યો હતો

રાજકોટ, : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિ લેખક નિબંધકાર કવિ નર્મદના જન્મદિન તા. 24 ઓગષ્ટના દિવસે ઉજવવામાં આવે છે. તેણે ગુજરાતી ભાષાની ખૂબજ સેવા કરી છે. એમની ગુજરાતી સાહિત્યમાં ધુ્રવતારક તેમની  નામના છે. એમનું પુરૂ નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. એ ખૂબજ સ્વમાની પત્રકાર હતા. એણે કેટલાય એવા નિર્ણયો લીધા હતા કે એમાં એમની આગવી હિંમતના દર્શન થાય છે. એણે નોકરી છોડીને માત્ર કલમજીવી બની કલમના ખોળે માથું મુકીને ગુજરાતી સાહિત્યને બળવાન બનાવ્યું હતું. 

નર્મદનો જન્મ 24 ઓગષ્ટ 1833માં થયો હતો. અને માત્ર 53 વર્ષની જિંદગી ભોગવીને તા. 26 ફેબુ્રેઆરી 1886 માં નિધન થયું હતું. સુરતમાં જન્મેલા નર્મદે મુંબઈમાં શિક્ષણ લીધું હતુ. એણે શાળાકીય અભ્યાસ દરમિયાન સંસ્કૃત મરાઠી ભાષા શીખી હતી. તેમજ સમાજ સુધારક દુર્ગારામ મહેતાજીની શાળામાં દાખલ થયા હતા. એમની જન્મ સાલ 1833 એ યુગ પ્રગતિના યુગ તરીકે શરૂ થયો ન હતો. એ વખતે કુરિવાજો વહેમ અંધશ્રદ્ધાની સમાજ પર જબરી પકકડ હતી. જો કોઈ નવો વિચાર રજુ કરે તો આવી બનતું હતુ.નર્મદે 18  વર્ષની વયે અન્યોન્ય બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. એણે પ્રમુખ તરીકે રજુ કરેલા વિચારો મંડળી મળવાથી થતાં લાભ વિશે વક્તવ્ય આપ્યું અને એ પ્રગટ થયું હતુું. કહેવાય છે કે ગુજરાતી ભાષામાં આ સૌ પ્રથમ ગદ્ય ગણનાપાત્ર લખાણ હતું. તેણે તા. 23-11-1858ના રોજ શિક્ષકની નોકરી છોડી હતી. અને માત્ર કલમના ખોળે જીવવાનો સંકલ્પ કર્યા બાદ  દર પંદર દિવસે જાહેર સભા ભરીને લોકોમાં સાહિત્ય પ્રસાર શરૂ કર્યો હતો. નર્મદે એક વર્ષ સુધી જ્ઞાન સાગર નામનું સાપ્તાહિક ચલાવ્યું હતું. ગદ્ય સાહિત્ય ઉપરાંત એણે ગુજરાતીમાં થોકબંધ કાવ્ય રચનાઓ રચી હતી. જેમાં જય જય ગરવી ગુજરાત ઉગે અરૂણ પ્રભાત ..યા હોમ કરીને પડો ફતેહ છે આગે..કાવ્યો ખૂબજ પ્રચલિત બન્યા છે. એ યુગમાં એણે જોમ અને જોસ્સો નામના સમાજને નવા શબ્દો આપ્યા હતા. એમનો જીવન મંત્ર હતો કે ડગલું ભરવું કે ના હટવું ના હટવું..એ પદ્ય રચનાઓ રચવા લાગ્યા પણ વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ બનાવવા માટે યોગ્ય પુસ્તકની તલાશમાં હતો. આખરે એક કડિયા પાસેથી છંદ રત્નાવલી નામે પુસ્તક મળ્યું! આ પુસ્તકની કડિયા પાસે માગણી કરી પણ તેણે પુસ્તક આપવાની ના પાડી અને કહ્યું ઉતારો કરી લો....એ પછી નર્મદે રાત - દિવસ જોયા વગર એ જાતે લહિયો બનીને આખું પુસ્તક ઉતારી લીધું હતું.