વઢવાણ 80 ફુટ રોડ પર અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની ભવ્ય યાત્રા કાઢવામાં આવી
- સાંસ્કૃતિ રાસ, મહિલાઓની બેન્ડ પાર્ટી, ફલોટ ટ્રેકટર વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા
- મોટીસંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એવા અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ઠેરઠેર અષાઢી બીજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં શ્રી રામદેવપીર ભગવાનની તેમજ જગન્નાથજીની શોભાયાત્રા, આરતી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું વિશેષ મહત્વ રહેલું છે આ દિવસે વણજોયું સારૂ મુર્હુત હોય સગાઈ, લગ્ન, તેમજ નવા વાહનોની ખરીદી લોકોઆ દિવસે વધુ કરે છે ત્યારે બીજી બાજુ ધાર્મિક દ્રષ્ટિએ પણ અષાઢી બીજનું મહત્વ વર્ષોથી ચાલ્યું આવે છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં અષાઢી બીજ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વઢવાણ ૮૦ ફુટ રોડ પર શ્રી જગન્નાથજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રાનું ભક્તિનંદન સર્કલ ખાતેથી પ્રસ્થાન કર્યા બાદ જગદીશ ત્રિવેદી સર્કલ, જીનતાન રોડ, સ્વસ્તીક ચોક, જે.એન.વી.સ્કુલ, અલ્કાપુરી ચોક, ૬૦ ફુટ રોડ, કડવા પાટીદાર છાત્રાલયથી ભક્તિનંદન સર્કલ ખાતે સમાપન થયું હતું ડી.જે., સાંસ્કૃતિક રાસ, બહેનોની બેન્ડ પાર્ટી, મણીયારો રાસ, ફલોટ ટ્રેકટર, મહાઆરતી વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ રથયાત્રામાં રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, વિદ્યાર્થીઓ, સામાજીક સંસ્થાઓ, શહેરીજનો, મહિલાઓ યુવાનો સહિત વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં જોડાયા હતા.