Get The App

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો 1 - image


Canada Rathyatra : ભારતમાં તહેવારોની ઉજવણી તિથિ અને ચોઘડિયા મુજબ થાય છે, પરંતુ વિદેશમાં ભારતીય તહેવારોનું આયોજન સ્થાનિક તંત્રની મંજૂરી અને ખાસ કરીને સપ્તાહના અંતે (વીકએન્ડ) કરવામાં આવે છે. આ જ રીતે, ભારતમાં અષાઢી બીજે યોજાતી જગન્નાથ રથયાત્રા કેનેડાના ટોરેન્ટોમાં ગઈકાલે ભારે ધામધૂમથી ઊજવવામાં આવી હતી. ટોરેન્ટોના રસ્તાઓ પર નીકળેલી આ રથયાત્રામાં ભારતીયો અને વિદેશીઓ સહિત 20,000થી વધુ ભક્તો જોડાયા હતા. રથયાત્રાનું દોરડું ખેંચવા ભક્તોમાં પડાપડી જોવા મળી હતી, જેમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર હતી. આ ભવ્ય યાત્રા સાડા ચાર કિલોમીટરનું ભ્રમણ કરીને ટોરેન્ટો આઇલેન્ડ પર પહોંચી હતી. 

વિદેશમાં સનાતન પરંપરાનું ગૌરવ

વિદેશમાં વસતા ભારતીયોએ પોતાની સનાતન પરંપરાને જીવંત રાખી છે. આ વીકએન્ડમાં પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને કેનેડાના ટોરેન્ટોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જેમાં વિદેશીઓ સહિત 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કેનેડાના રસ્તાઓ જાણે ભારતીય રસ્તાઓ હોય તેમ 'જય જગન્નાથ'ના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ટોરેન્ટોમાં યોજાયેલી આ રથયાત્રામાં ભાગ લેવા માટે કેનેડાના જુદા જુદા શહેરોમાં રહેતા ભારતીયો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નોકરી-ધંધા માટે કેનેડામાં વસવાટ કરતા સુરત, દક્ષિણ ગુજરાત અને અન્ય ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો 2 - image

ભક્તોના હૃદયમાં રથયાત્રાનું મહત્વ

મૂળ બીલીમોરાના અને રથયાત્રામાં જોડાયેલા રાજીવ મહેતા જણાવે છે, "અમે ટોરેન્ટોથી ઘણા દૂર રહીએ છીએ, પરંતુ આ રથયાત્રા હોય ત્યારે પરિવાર સાથે અચૂક ટોરેન્ટો આવવાનું ચૂકતા નથી. કેનેડામાં દિવાળી પછી જગન્નાથ રથયાત્રા સૌથી મહત્વનો તહેવાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીયોની સાથે અનેક વિદેશી ભક્તો પણ જોડાયા હતા. અહીં વસતા લોકો આ રથયાત્રામાં જોડાઈને ભારતીય વાતાવરણનો અનુભવ કરે છે અને તેમને એક અનોખી ઊર્જા મળે છે."

હિરલ મહેતા ઉમેરે છે, "ગુજરાતની જેમ જ અહીં પણ ઘણા દિવસોથી તહેવારોની ઉજવણી માટે આયોજન થાય છે. દર વર્ષે હજારો લોકો દૂર દૂરથી આ રથયાત્રામાં જોડાવા આવે છે અને કેનેડા ભારત જેવું જ બની જાય છે. સાડા ચાર કિલોમીટરની રથયાત્રા ભ્રમણ કર્યા બાદ ભગવાન જગન્નાથ ટોરેન્ટોના સેન્ટ્રલ આઇલેન્ડ પર એક દિવસ માટે બિરાજમાન થાય છે. અહીં દિવસ અને રાત્રિ દરમિયાન કીર્તન સાથે ભક્તોને મહાપ્રસાદ પણ આપવામાં આવે છે."

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો 3 - image

એકલતા દૂર કરતો ઉત્સવ

મૂળ સુરતના અને કેનેડામાં કારકિર્દી બનાવવા ગયેલા અંકિત પટેલ અને મિલન પ્રજાપતિ કહે છે, "અમે અભ્યાસ પૂરો કરી અહીં નોકરી કરી રહ્યા છીએ. સતત વ્યસ્ત હોવાને કારણે ભારતને મિસ કરીએ છીએ, પરંતુ અહીં જે તહેવારોની ઉજવણી થાય છે તેનાથી અમને નવું જોમ મળે છે. પરિવારથી દૂર રહીને કારકિર્દી બનાવવા આવેલા લોકોને ક્યારેક એકલું લાગે છે, પરંતુ આવા તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે તેમને પોતાના પરિવાર સાથે હોવાનો અહેસાસ થાય છે અને એકલતા દૂર થાય છે." ગત વર્ષે રથયાત્રા દરમિયાન વરસાદ વરસ્યો હતો, પરંતુ આ વર્ષે ભારે ગરમી પડી હતી. જોકે, આટલી ગરમી હોવા છતાં હજારોની સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા.

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો 4 - image

તહેવારોમાં 'મીની ભારત' બની જાય છે કેનેડા

આ વર્ષે કેનેડાના ટોરેન્ટોમાં યોજાયેલી રથયાત્રામાં મહિલાઓ અને નાના બાળકોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી હતી. આ રથયાત્રામાં જોડાયેલા ભક્તો ઢોલ અને મંજીરા સાથે ભજન ગાતા નજરે પડ્યા હતા. 'હરે કૃષ્ણ'ના નારા સાથે નાના બાળકો પણ રથયાત્રામાં ઝૂમતા જોવા મળ્યા. ભારતીયો ભેગા મળીને તહેવારોની ઉજવણી કરે છે, જેના કારણે વિદેશમાં રહેતા ભારતીયો એકત્ર થાય છે અને અહીં એક 'મીની ભારત' બની જાય છે. આ રથયાત્રા ભગવાનની ભક્તિ સાથે સાથે વિદેશમાં રહેતા ભારતીયોને એકબીજાને હુંફ આપવાનો તહેવાર પણ બની જાય છે.

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો 5 - image

રથયાત્રા સાથે સ્વચ્છતા અભિયાન

કેનેડાના ટોરેન્ટોના રસ્તા પર જ્યારે શનિવારે જગન્નાથ રથયાત્રા નીકળી, ત્યારે ભક્તો મન મૂકીને જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ફૂલ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ થયો હતો, જે રસ્તા પર પડ્યા હતા. પરંતુ રથયાત્રા સાથે કેટલાક ભક્તો હાથમાં ઝાડુ લઈને જોવા મળ્યા હતા. એક તરફ રથયાત્રા આગળ વધતી હતી, તો બીજી તરફ કેટલાક ભક્તો રસ્તા પર પડેલી સામગ્રીની સફાઈ કરતા હતા અને તેને એકત્ર કરીને નિકાલ કરતા હતા. આમ, કેનેડાની રથયાત્રામાં ભગવાનની ભક્તિની સાથે સ્વચ્છતા અભિયાન પણ જોવા મળ્યું હતું.

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો 6 - image

શીખ ભક્તના હાથમાં ભારતીય ધ્વજ

છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ભારતીય મંદિરો અને અન્ય સ્થળોએ ખાલિસ્તાનીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે, શનિવારે નીકળેલી રથયાત્રામાં એક શીખ ભક્ત દ્વારા ભારતીય ધ્વજ હાથમાં લઈને લહેરાવતા જોવા મળ્યા હતા. ઘણા સમયથી કેનેડામાં વસતા ભારતીયો સામે ખાલિસ્તાનીઓ દ્વારા મંદિરો અને ભક્તો પર હુમલા થઈ રહ્યા છે, ત્યારે ગઈકાલે શનિવારે રથયાત્રામાં શીખ ભક્ત જોડાયા હતા એટલું જ નહીં, પરંતુ તેમના હાથમાં ભારતીય ત્રિરંગો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો વિદેશમાં રહેતા ભારતીયો માટે ઘણા આનંદદાયક જોવા મળ્યા હતા.

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો 7 - image

Tags :