સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય ખફા
'ખંડિત મૂર્તિ ભગવાન વિષ્ણુ સ્વયં ઠીક કરે' તેવી ટિપ્પણી સામે વિરોધ દર્શાવ્યો : લોકતંત્રનો આધારસ્તંભ ગણાતી ન્યાયપાલિકાઓ સનાતનીય ન્યાય પરંપરાની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છેઃ સદાનંદ સરસ્વતીજી
રાજકોટ, : દેશની સુપ્રિમકોર્ટમાં મુખ્ય ન્યાયધીશ સમક્ષ ભગવાન વિષ્ણુની મૂર્તિનાં સ્થાને શુધ્ધ મૂર્તિ સ્થાપિત કરવા અંગે ન્યાયિક દાદ માગવામાં આવતા ન્યાયધીશ દ્વારા 'ભગવાન વિષ્ણુને કહો કે મૂર્તિ સ્વયં ઠીક કરે' તેવી ટીપ્પણી કરવામાં આવતાં તેની સામે દ્વારકાના શારદા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્યએ ખુલ્લંખુલ્લા વિરોધ કરી આ મુદ્દે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેઓએ ઉચ્ચતમ ન્યાયાલયની વ્યંગોક્તિનો વિરોધ કરી કર્તવ્યપાલન કરવું એ પણ એક ધર્મ છે તેમ જણાવી સુપ્રિમ કોર્ટના પક્ષપાતી વ્યવહારને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.
દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ન્યાયપાલિકા એ લોકતંત્રનો સ્તંભ છે. પરંતુ ન્યાયાધીશના નિર્ણયો ભારતની સનાતનીય ન્યાય પરંપરાની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. અયોધ્યા રામ મંદિરના ઉલ્લેખ સાથે શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનવવાનો નિર્ણય અદાલતે કેમ આપ્યો? એમ જ કહેવું જોઈતુ હતુ કે ભગવાન શ્રીરામ મંદિર બનાવે તેવો આદેશ આપવો જોઈતો હતો! અમારી દ્રષ્ટિમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ ભગવાન શ્રી રામની કૃપાથી જ શક્ય બન્યું છે. જયારે પુરાતત્વ વિભાગે ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સ્થાને નવી શુધ્ધ મૂર્તિ સ્થાપવાની વાત સ્વીકારી નહી તેથી શ્રધ્ધાળુ ભાવિકે અદાલત સમક્ષ ન્યાય માટે દાદ માગી હતી પરંતુ અદાલતે આ મુદ્દે ઉપહાસ કર્યો, ન્યાય માગવા આવનાર સાથે અન્યાય થયો. આ પ્રકારનો અન્યાય સ્નાતન હિંદુઓ પ્રત્યે કયાં સુધી ચાલતો રહેશે. જયાં સુધી હિંદુ ધર્માવલંબી પોતાના ધર્મ અને હિંદુત્વ માટે સંગઠિત નહી થાય ત્યાં સુધી અપમાન સહન કરવાનું રહેશે? તેવો સવાલ ઉઠાવી તેઓએ સ્વધર્મપાલન માટે સનાતન ધર્મના લોકોને સંગઠિત થવાની આવશ્યકતા સાથે હિંદુ રાષ્ટ્રની આવશ્યકતા અનિવાર્ય હોવાનું જણાવ્યું