નારોલમાં વાહન પાર્ક કરવા બાબતે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ,વાહનમાં તોડફોડ કરી
સોસાયટીમાં વચ્ચે પાર્ક કેરેલું બાઇક હટાવવાનું કહેતા ધાક જમાવવા કૃત્ય
બે આરોપીની પિસ્ટલ, તમંચો જીવતો, ૭ કારતૂસ સાથે ધરપકડ
અમદાવાદ,શનિવાર
નારોલમાં સોસાયટીમાં પડોશીએ રસ્તામાં બાઈક પાર્ક કરી હતી જેને ખસેડવાનું કહેતા તકરાર થઇ હતી તેની અદાવતમાં ચાર શખ્સોએ યુવકના ઘરે જઇને ધાક જમાવવા ગાળો બોલીને હવા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરીને ઘર પાસે પાર્ક કરેલા વાહનમાં તલવાર વડે તોડફોડ કરી આતંક મચાવીને ભયનો માહોલ સર્જાયો હતો. બાદમાં ચારેય શખ્સો ધમકી આપીને નાસી ગયા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે એલસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચીને બે આરોપીની પિસ્તલ, તમંચો અને જીવતા ૭ કારતૂસ સાથે ધરપકડ કરીને ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
બે આરોપીની પિસ્ટલ, તમંચો જીવતો, ૭ કારતૂસ સાથે ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ કરવા કાર્યવાહી હાથ ધરી
નારોલમાં રહેતા અને ઇંટોનો ધંધો કરતા યુવકે નારોલ પોલીસ સ્ટશનમાં પડોશમાં રહેતા અકરમ અંસારી તથા સોહીલ અંસારી તેમજ મોહંમદ નુરુદ્દીન કુરેશી અને વટવામાં રહેતા ઇમરાન સામે ફરિયાદ નોંધાવી છે, કે તા. ૧૯ ના રોજ ફરિયાદી તેના મિત્રો સાથે બહાર હતો તે સમયે તેના નાના ભાઈએ ફોન કરીને કહ્યું કે પાડોશમાં રહેતા અકરમ ઉર્ફે શેરુ અંસારીનું બાઈક વચ્ચે હોવાથી ખસેડવાનું કહેતા તકરાર કરવા લાગ્યો છે. જેથી ફરિયાદી તાત્કાલિક ઘરે પહોંચ્યો અને અકરમ અંસારી સાથે વાત કરવા ગયો હતો પરંતુ બે વાત કરવા તૈયાર ન હતો ઘરે જતા રહ્યા હતા.
આ બાબતની અદાવત રાખીને ગઇકાલે મોડી રાતે ઉપરોક્ત ચારેય આરોપી ફરિયાદીના ઘર પાસે આવ્યા અને ગાળો બોલીને ધમકી આપતા હતા આ સમયે તેની પાસે રહેલો દેશી તમંચાથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું બીજીતરફ શખ્સોએ તલવારથી બહાર પડેલા બુલેટની તોડફોડ કરી હતી. ગભરાઇને ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા સ્થાનિક પોલીસ સહીત ઝોન-૬ એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ઝોન-૬ એલસીબી સ્કવોડે ફાયરીંગના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીમાંથી મોહમંદ અકરમ ઉર્ફે શેરુ અંસારી અને મોહમંદ નુરુદીન ઉર્ફે સાહિલ કુરેશીને દેશી તમંચો અને એક પિસ્ટલ અને ૭ નંગ કારતુસ સાથે મટન ગલી પાસેથી ઝડપી પાડયા હતા. જ્યારે ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.